સોનારડી ગામે હત્યાને અપમૃત્યુમાં ખપાવનાર શખ્સને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો

જામનગર મોર્નિંગ - દ્વારકા 

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા અને એક કોન્ટ્રાક્ટરને ત્યાં મજૂરીકામ કરતા યુવાનને મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે રહેતા શખ્સ દ્વારા જમવા બાબતે બોલાચાલી કરી અને બોથડ પદાર્થ મારી, હત્યા નિપજાવ્યા બાદ આ સમગ્ર બનાવને અપમૃત્યુમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવતા આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે રહેતા વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંહ ઉર્ફે ભૂટિયો હીરાભાઈ રાઠોડ નામનો 30 વર્ષનો યુવાન કે જે ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા એક કોન્ટ્રાક્ટરની ઈલેક્ટ્રીક વિજ લાઈનના કામમાં મજૂરી કરતો હતો, આ યુવાન ગત તારીખ 22 મીના રોજ કામ દરમિયાન સીડી પરથી નીચે પડતા ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ થવા અંગેની જાણ મૃતક વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંહ રાઠોડના પરિવારજનોને કરવામાં આવી હતી.

ઈજાગ્રસ્ત વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંહને  અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવાયો હતો, ત્યાં મૃતકના પિતા હીરાભાઈ તથા તેમના મોટાભાઈ રમણભાઈ તેમને મળવા ગયા હતા, ત્યાં 22 તારીખના રોજ અંતિમ શ્વાસ લીધા હતા અને ગત તારીખ 25ના રોજ મૃતકની અંતિમ વિધિ કરવામાં આવી હતી, પરંતુ પરિવારજનોને મૃત્યુ અંગે શંકા જતા પોલીસને જાણ કરાયા બાદ પોલીસે તપાસ હાથ ધરતા 20 મીના રોજ રાત્રિના દસેક વાગ્યે વિક્રમ તથા તેમને સાથે કામ કરતા અન્ય શ્રમિકો તેમના રૂમ પર હતા, ત્યારે તેઓની સાથે કામ કરતા રમેશ ગોરાભાઈ ઠાકોર (રહે. લીમરવાડા, તા. વીરપુર, જી. મહીસાગર) સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા રમેશ ઠાકોરે નજીક પડેલો લાકડાનો ધોકો વિક્રમને ફટકાવી દીધો હતો. જેથી લોહી-લોહાણ હાલતમાં તે ઘટના સ્થળે ફસડાઈ પડ્યો હતો. બાદમાં આ શ્રમિકોના શેઠને જાણ કરવામાં આવતા તેઓ આવી ગયા હતા અને ઇજાગ્રસ્ત વિક્રમને સારવાર અર્થે તેમની બોલેરોમાં ખંભાળિયા અને ત્યારબાદ જામનગરથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં વિક્રમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાના સાક્ષી રહેલા સાથેના શ્રમિકોને આ બાબતની જાણ કોઈને નહીં કરવા, નહીં તો તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી રમેશે આપી હતી. ઉપરોક્ત સમગ્ર બનાવ અંગે મૃતક વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંહ ઉર્ફે ભૂટીયોના પિતા હીરાભાઈ ફતાભાઈ રાઠોડ (રહે. લીમરવાડા, મહીસાગર) એ રમેશ ગોરાભાઈ ઠાકોર સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાતા પોલીસે રમેશ ઉર્ફે ગોરાભાઈ ઠાકોર નામના શખ્સને પીઆઈ ડી.એમ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.બી. પીઠીયાની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ ડી.એમ. ઝાલા, પીએસઆઈ વી.બી. પીઠીયા, રોહિત થાનકી, મહીદીપસિંહ જાડેજા, સાજણભાઈ સુવા અને પબુભાઈ ગઢવીએ કરી હતી.