જામનગર મોર્નિંગ - જામનગર 

જામજોધપુરમાં લગ્નના પાંચ જ દિવસમાં પતિના અનૈતિક સંબંધની જાણ થતાં પત્નીને ઝેરી દવા પી મરી જવા મજબુર કરવા અંગેની ફરિયાદ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુરમાં એક્સિસ બેંક રોડ, પુનમ હોટલ વાળી શેરીમાં રહેતા ચેતન ધીરજલાલ ચિત્રોડાએ ગત તા. 4 ડિસેમ્બરના રોજ જ્યોત્સના બેન સાથે પરિવારની હાજરીમાં રાજીખુશીથી લગ્ન કર્યા હોય, પરંતુ પાંચ દિવસમાં એટલે કે ગત તા. 9 ડિસેમ્બરના રોજ જ્યોત્સનાબેને ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. બાદ સિક્કા હાઉસિંગ બોર્ડમાં રહેતા મૃતકના માતા ચંપાબેન મેઘજીભાઈ ઘેડીયાએ જામજોધપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે જમાઈ ચેતનને કોઈ અન્ય સ્ત્રી સાથે સબંધ હોય અને તે સ્ત્રીને પોતાના ઘરમાં રાખવા માંગતો હોય જેથી ચેતનના અનૈતિક સંબંધના માનસિક ત્રાસના કારણે જ્યોત્સના ઝેરી દવા પી લેવા મજબુર થઈ હતી. પોલીસે ફરિયાદ પરથી ગુનો નોંધી પીએસઆઈ એમ.જી. વસાવા આગળની તપાસ ચલાવી રહ્યા છે.