કુંભકર્ણ નિંદ્રામાંથી ટ્રાફિક પોલીસ જાગે અને માર્ગ સપ્તાહની ઉજવણી જેવા હોંશે ટ્રાફિકનું નિવારણ લાવે તેવી માંગણી 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં નાગનાથ ચોકડીથી વિક્ટોરિયા પુલ પાસે રોજ ટ્રાફિકની સમસ્યાથી વેપારીઓ તથા રહેવાસીઓ ત્રાહિમામ થઈ ગયા છે ત્યારે ગઈકાલે તો પોલીસ વાન જ ટ્રાફિકમાં ફસાઈ હતી તો સાંજના સમયે લાલપુર બાયપાસ પાસે ટ્રાફિકમાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ હતી, લાલપુર બાયપાસ પાસે પર ટ્રાફિકની સમસ્યા વર્ષોથી છે અને અવારનવાર અકસ્માતના બનાવો પણ બને છે સ્થાનિકોએ અવારનવાર રજૂઆત કરી છે.

સરકારે પણ ઓવરબ્રીજની જાહેરાત તો ઘણાં સમયથી કરી દીધી છે પણ પુલ પાસ થવાના ગીતો જેટલા જોરશોરથી ગવાયા પણ કામ ચાલુ કરવાનું મુહૂર્ત જ નથી મળતું ત્યારે સ્થાનિકોમાં ચર્ચાઓ જાગી છે કે હવે તો કમુરતા એ પૂરા થઈ ગયા છે જલ્દીથી પુલનું કામ ચાલુ થાય અને આ સમસ્યાનો કાયમી નિકાલ આવે તો સારું. 

ટ્રાફિક સાપ્તાહની ઉજવણી જે રીતે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે એના કરતાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણાં સમયથી છે તેના ઉકેલ માટે કુંભકર્ણ નિંદ્રામાંથી ટ્રાફિક પોલીસ જાગે અને નિવારણ લાવે તેવી માંગણી ઉઠવા પામી છે.