જામનગરમાં વ્યાજે રૂપિયા આપી મિત્રના મકાનનો દસ્તાવેજ નામે કરાવી લીધો: ખંભાળિયામાં રૂ. 1.76 લાખ વ્યાજે આપી મહિલાએ મકાન લખાવી પીડિતાને ઘરની બહાર કાઢી મુકી: આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પઠાણી ઉઘરાણી કરતાં હતાં

જામનગર મોર્નિંગ - જામનગર


વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરતાં જામનગર - દ્વારકામાં એક પછી એક કિસ્સા બહાર આવી રહ્યા છે.

પૈસો આ બે અક્ષરનો શબ્દ માણસને ગમે ત્યારે ગમે તે કરવા દોરી જતો હોય છે, પૈસા પાછળ પાગલ માણસ લોહીના સંબંધોને પણ ભૂલી જતો હોય છે, પૈસાને કારણે હત્યા અપહરણ મારામારી જેવા બનાવો પણ અવારનવાર બનતા રહે છે, આકરી ઉઘરાણીથી ત્રાસી જઈ ઘણાં આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરતાં હોય છે, હાલમાં ગુજરાત સરકારે વ્યાજંકવાદ વિરોધી અભિયાન ચાલુ કર્યું હોઈ રાજ્યભરમાં પોલીસ તંત્ર વ્યાજખોરીના ગુનાઓ નોંધી આકરી કાર્યવાહી કરી રહી છે, ત્યારે ખંભાળિયામાં સાડા સાત લાખ સામે સવા કરોડ ચૂકવી આપ્યા તો પણ પઠાણી ઉઘરાણી કરતા પિતા - પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી, બાદમાં જામનગર - ખંભાળિયામાં વધુ બે કિસ્સા સામે  આવ્યા છે.

જામનગરમાં પંચવટી સોસાયટીમાં રહેતા યુવાને રૂ. 9 લાખ 5 ટકા વ્યાજના દરે લીધા બાદ ચેક નહીં ચાલે તેમ કહી મિત્રના મકાનનો દસ્તાવેજ વ્યાજખોરે પોતાના નામે કરી રૂ. 18 લાખની ઉઘરાણી કરી પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં સીટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવાઈ છે, જ્યારે ખંભાળિયામાં પઠાણ પાડામાં રહેતી મહિલાએ રૂ. 1,76,000 લીધા બાદ રૂ. 1,20,000 વ્યાજ વસૂલી મહિલાનું મકાન નામે લખવી ધાક ધમકી આપી મકાન ખાલી કરાવતાં પીડિતાએ ખંભાળિયામાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં પંચવટી વિસ્તારમાં રહેતા જતીન મનસુખભાઈ વિઠલાણી નામનો યુવાન જલારામ રેસ્ટોરન્ટ નામની ખાણીપીણીની લોજ ચલાવતો હોય અને બે વર્ષ પહેલા કોરોના મહામારીમાં ધંધો બંધ હોવાથી દુકાનનું ભાડું તથા લોજમાં કામ કરતા માણસોના પગાર તેમજ દુકાનનું લાઈટબીલ ચૂકવવાનું બાકી હોય જેના કારણે ફરિયાદી જતીન પર દેવું થઈ ગયેલ હોય આથી દેવુ ચૂકવવા અને ધંધો ચાલુ કરવા જતીનને પૈસાની જરૂર હોય ત્યારે પંચવટી સોસાયટીમાં ઓસ્મો એપાર્ટમેન્ટમાં જી - 1માં રહેતા હરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા પાસેથી રૂ. 9,00,000 માસિક 5%ના વ્યાજદરે લઈ ત્રણ-ત્રણ લાખના કોરા ત્રણ ચેક આપેલ હોય ત્યારબાદ હરેન્દ્રસિંહે આ ચેક નહીં ચાલે તેમ કહી જતીનના મિત્રના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી ચેક પરત ન આપતાં વ્યાજ સહિત રૂ. 18,00,000 રકમની માંગણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતાં જતીને સીટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 504, 506(2) તથા ગુજરાત મની લેન્ડસ એક્ટ - 2011ની કલમ 5,39,40 અને 42 મુજબ ગુનો દાખલ કરી પીએસઆઈ બી.બી. કોડીયાતર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

જ્યારે ખંભાળિયામાં પઠાણ પાડામાં, પઠાણી મસ્જિદ પાછળ જગદીશ મિલની બાજુમાં રહેતી જરીનાબેન અબ્દુલભાઈ નાયકે ખંભાળિયામાં વંડી ફળીમાં રહેતી રેશમાબેન સાલેમામદભાઈ સુંભણીયા પાસેથી રૂ. 1,76,000 વ્યાજે લીધા હોય, બાદમાં રેશમાબેને ડરાવી ધમકાવી વ્યાજના રૂ. 1,20,000 વસૂલ કરી જરીનાબેન પાસેથી વધુ રૂપિયાની માંગણી કરતા રૂપિયા આપવા માટે થોડી મુદતની માંગણી કરી હતી, બાદમાં બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવા માટે જરીનાને તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક જરીનાબેનનું મકાન રેશમાબેને પોતાના નામે લખાવી ઘરમાંથી કાઢી મુકતા ખંભાળિયા પોલીસમાં  ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ 386, 504, 506(2) તથા મની લેન્ડસ એક્ટ 2011ની કલમ 5, 33, 40 અને 42 મુજબ ગુનો નોંધી એસઓજી પીએસઆઈ પી.સી. સીંગરખીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે. આરોપી રેશમાબેન પાસે નાણાંનું ધિરાણ કરવા માટે લાયસન્સ પણ ન હોય અને ઊંચા વ્યાજદરે રૂપિયા આપી ધાક ધમકીથી મકાન પડાવી લીધું હતું.

વ્યાજંકવાદ વિરૂધ્ધ શરૂ થયેલી ઝુંબેશ અંતર્ગત રોજબરોજ નવા નવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, 31મી જાન્યુઆરી સુધી આ ઝુંબેશ ચાલવાની હોઈ હજુ કેટલા અને કેવા કિસ્સા ખુલશે તે જોવું રહ્યું.