સંવેદનશીલ સરકારના અધિકારીઓ પણ અતિસંવેદનશીલ છે તેનું જ્વલંત અને ઉમદા ઉદાહરણ આજે ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીએ પૂરું પાડ્યું: આઈ.એ.એસ. અધિકારી ઉપરાંત નિષ્ણાત ડોક્ટર પણ હોવાના નાતે ઇજાગ્રસ્તને રોડ પર જ તાત્કાલિક સારવાર આપી વધુ એક વખત માનવતાભર્યા વલણનો પરિચય આપ્યો

જામનગર મોર્નિંગ - ભાવનગર (રીપોર્ટર: ફીરોઝ સેલોત) 

ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જીલોવા આજે સિહોર તાલુકાના મનરેગા યોજનામાં ચાલુ કામોની સાઈટ વિઝિટમાં નીકળા હતા. તે દરમિયાન પાંચ તલાવડા-ધોળા રોડ પર રસ્તામાં અચાનક બાઈક ચાલક તથા તેમના પત્ની બાઈક પરથી સ્લીપ થતાં ઝાડીમાં પડ્યા હતાં. જિલ્લા વિકાસ અધિકારી જીલોવા પણ ઘટનાસ્થળ નજીક હતા અને તેઓ ત્યાં દોડી ગયા હતા અને બાઇકસવાર ઇજાગ્રસ્ત હોવાથી તેમને જરુરી પ્રાથમિક સારવાર આપી હતી. 

આજની ઘટનાની વાત કરીએ તો જિલ્લા વિકાસ અધિકારી સિહોર તાલુકાના મનરેગા યોજનામાં ચાલુ કામોની સાઈટ વિઝિટ કરી રહ્યા હતા ત્યારે લંગાળા (ઉમરાળા) ગામના વતની દીનેશભાઈ કાળુભાઈ હુંબલ પાંચ તલાવડા-ધોળા રોડ પરથી પસાર થતાં હતા દરમિયાન બાઇક ચાલક સ્લીપ થયા હતા. જિલ્લા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળથી નજીક હોવાથી તાત્કાલિક પરિસ્થિતિનો તાગ મેળવીને પોતે મેળવેલા તબીબી જ્ઞાનનો ઇજાગ્રસ્તની સારવાર માટે ઉપયોગ કર્યો હતો.

આમ, પ્રાથમિક સારવાર આપ્યા બાદ પ્રશાંત જીલોવા એ ઇજાગ્રસ્તને ગંભીર ઇજા થઈ નથી જેથી હોસ્પિટલ જવાની જરૂર નથી એ સુનિશ્ચિત કર્યું હતું.  


અગાઉ થોડાં સમય પહેલાં પણ ડૉ. પ્રશાંત જીલોવાએ આવી રહીતે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી વ્યક્તિને સારવાર આપી હતી. તે સમયે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી દરમ્યાન ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી તળાજા ખાતેની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયાં બાદ ભાવનગર પરત ફરી રહ્યાં હતાં ત્યારે થયેલ ઘોઘા રોડ પરના પીપળીયા પુલ નજીક એક છકડો રીક્ષા પલટી ખાઇ ગયેલી જોઈને તાત્કાલિક પોતાના વાહન ચાલકને પોતાનું વાહન રોકવા આદેશ આપીને તરત જ તેઓ નીચે ઉતરીને આ રીક્ષા નીચે કચડાયેલા લોકોની મદદ માટે દોડી ગયાં હતાં.

જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જીલોવા પોતે એમ.બી.બી.એસ.નો અભ્યાસ ધરાવે છે અને કટોકટીની અને વિપતની આ ઘડીમાં તેમની નૈતિક ફરજ સમજીને અકસ્માતોમાં ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ એકવાર સંવેદનશીલ સરકારના અધિકારીઓ પણ અતિસંવેદનશીલ છે તેનું જ્વલંત અને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારીની ત્વરિતતા અને હકારાત્મક અભિગમ જોઇ ત્યાં ઉપસ્થિત લોકોને પણ પ્રતિત  થયું હતું કે આવી અકસ્માતની પરિસ્થિતિમાં બીજાને તાત્કાલિક મદદ કરીને “ગુડ સમરીટન” બની શકે છે.