જામનગરના વ્યાજખોરોએ મારી નાખવાની ધમકી આપી 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

ઓખા મંડળમાં રહેતા એક બાવાજી વૃદ્ધે સાતેક વર્ષ પૂર્વે જામનગર ખાતે રહેતા બે બંધુઓ પાસેથી રૂપિયા 22 લાખ વ્યાજે લીધા પછી રૂપિયા 55.88 લાખ વ્યાજ ચૂકવ્યા પછી પણ આરોપી શખ્સો દ્વારા તેમની જમીન લખાવી લઈ અને પરત ના આપવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ મીઠાપુર તાબેના સુરજકરાડી ખાતે રહેતા પ્રભુદાસભાઈ કાનદાસભાઈ કાપડી નામના 60 વર્ષના બાવાજી વૃદ્ધની માલિકીની અઢાર એકર જમીન સામે તેમને બીમારી સહિતના કારણસર પૈસાની જરૂરિયાત હોય, જામનગર ખાતે રહેતા કુલદીપસિંહ મંગળસિંહ જાડેજા અને યુવરાજસિંહ મંગળસિંહ જાડેજા પાસેથી વર્ષ 2015માં રૂપિયા 22 લાખ વ્યાજે લીધા હતા. આ રકમ સામે પ્રભુદાસભાઈએ સમયાંતરે રૂપિયા 55,88,000 ચૂકવી દીધા પછી પણ આરોપી કુલદીપસિંહ મંગળસિંહ જાડેજા તથા તેમના ભત્રીજા પુષ્પરાજસિંહ યુવરાજસિંહ જાડેજા (રહે. જામનગર) દ્વારા તેમની પાસે ગીરવે મૂકેલી જમીન ખાલી કરવાનું દબાણ કરી, તેમજ કોરા ચેક સહી કરીને લઈ અને ત્રણ ટકાનું વ્યાજ વસૂલી પ્રભુદાસભાઈના ઘરે આવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. યુવરાજસિંહનું થોડા સમય પૂર્વે અવસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે આઈ.પી.સી. કલમ 386, 506(2), 114 તથા ગુજરાત નાણા ધીરધાર અધી.ની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.