જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટ્રાફિક નિયમન તેમજ બેફામ બનેલા વાહન ચાલકો સામે કડક સાથે કાર્યવાહી કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

જે અંતર્ગત ખંભાળિયા - જામનગર હાઈ-વે પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર આરાધનાધામ પાસેથી ખંભાળિયામાં મિલન ચાર રસ્તા પાસે રહેતા માલસી રાજા વારસાખીયા નામના 31 વર્ષના શખ્સને વાડીનાર મારીને પોલીસે રૂપિયા 50 હજારની કિંમતના મોટરસાયકલને લાયસન્સ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવતા ઝડપી લીધો હતો.

કલ્યાણપુર તાલુકામાં રાવલ ચેક પોસ્ટ પાસેથી મોડી રાત્રિના સમયે હાલતમાં રૂપિયા સાડા ચાર લાખની કિંમતની સ્વીફ્ટ મોટરકાર લઈને પીધેલી હાલતમાં નીકળેલા ધતુરીયા ગામના સામત માલદે ગોજીયા નામના શખ્સને પોલીસે ઝડપી લઈ, તેની સામે ગુનો નોંધ્યો હતો. કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામેથી નથુ પેથા ડંડેસા નામના 33 વર્ષના શખ્સને પોલીસે રૂ. 30 હજારની કિંમતના હોન્ડા મોટરસાયકલ પરથી તેમજ ખંભાળિયામાં બેઠક રોડ વિસ્તારમાં રહેતા રાકેશ દિલીપભાઈ નકુમ નામના 44 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 20,000 ની કિંમતના હોન્ડા સાઈન મોટરસાયકલ પરથી કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં પાણાખાણ ખાતે રહેતા શંકર કારાભાઈ ગોદડીયા નામના 42 વર્ષના શખ્સને એક મંદિર પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 10,000 ની કિંમતના ડિસ્કવર મોટરસાયકલ પરથી પોલીસે ઝડપી લઇ, તેની સામે પ્રોહી. એક્ટ તથા એમ.વી. એક્ટની કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.


ખંભાળિયા - જામનગર હાઈ-વે પર આરાધનાધામ પાસેથી ગફલત ભરી રીતે ઇક્કો મોટરકાર લઈને નીકળેલા જામનગરના યોગેશ દિનેશભાઈ માઉ (ઉ.વ. 25) અને કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામના દલવાડી દિનેશ કાળાભાઈ ડાભી (ઉ.વ. 32) નામના બે શખ્સોને પોલીસે ઝડપી લઇ, આઈ.પી.સી. કલમ 279 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

ખંભાળિયાના રેલ્વે સ્ટેશનના મેઈન ગેઈટ પાસે નો પાર્કિંગમાં નડતરરૂપ રીતે વાહન રાખવા બદલ જીતુ જીવા મધુડા નામના 30 વર્ષના ગઢવી શખ્સ તેમજ રેલવે સ્ટેશન નજીકથી નો પાર્કિંગનો ભંગ કરવા બદલ હરજી રામા પરમાર (ઉ.વ. 33, રહે. બેડ) સામે ખંભાળિયા પોલીસ મથકમાં જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

દ્વારકા પોલીસે રાત્રે દોઢેક વાગ્યાના સમયે એક હોટલ પાસેથી 20,000 ની કિંમતના એક્ટિવા મોટર સાયકલ પર નીકળેલા જીલ ભરતભાઈ રાયઠઠ્ઠા નામના 27 વર્ષના શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. દ્વારકાના આવળપરા વિસ્તારમાં રહેતા પ્રકાશ મનસુખભાઈ સોલંકી નામના 42 વર્ષના શખ્સને બરડીયા ગામ પાસેથી પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇને તેની સામે જી.પી. એક્ટની કલમ 135 મુજબ કાર્યવાહી કરી હતી.