મૃતક મહિલાના પતિની ફરિયાદ
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
કલ્યાણપુર નજીકના નાવદ્રા ગામ પાસે રવિવારે સર્જાયેલા બસ અકસ્માતમાં છત્તીસગઢના મહિલાના મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ બસના ચાલક સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદની કલ્યાણપુર પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ છત્તીસગઢ રાજ્યના બેમેતારા જિલ્લાના સાજા તાલુકામાં રહેતા પુરતસિંહ ગોપાલસિંહ ચંડેલ નામના 71 વર્ષના રાજપૂત વૃદ્ધ અન્ય ૪૦ જેટલા યાત્રાળુ સાથે સી.જી. 27 એફ. 9988 નંબરની ખાનગી બસમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં દર્શનાર્થે નીકળ્યા હતા. રવિવારે રાત્રિના સમયે તેઓ દ્વારકા દર્શન કરી અને સોમનાથ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એકાદ વાગ્યાના સુમારે નાવદ્રા ગામના પાટીયા પાસે આવેલી બજરંગ હોટલ નજીક પહોંચતા આ બસના ચાલક શશીભૂષણ નાગભૂષણએ બસ પરનો કાબુ ગુમાવી દેતા આ બસ રોડની એક બાજુ ઉતરીને પલ્ટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં બસમાં જઈ રહેલા લક્ષ્મીબેન નામના મહિલાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત અન્ય મુસાફર રહેમુનબેન, રોહિણીબેન વિગેરેને પણ ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.
આ સમગ્ર બનાવવા અંગે મૃતક લક્ષ્મીબેનના પતિ પુરતસિંહ ચંડેલની ફરીયાદ પરથી કલ્યાણપુર પોલીસે બસના ચાલક શશીભૂષણ નાગભૂષણ સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338, 304 (એ), તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી
દ્વારકા પંથકમાં જુગાર અંગે પાંચ શખ્સો સામે કાર્યવાહી
દ્વારકાના નાગેશ્વર રોડ પરથી પોલીસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ભાયાભા ગગુભા વાઘા, ખીરાભા રીણાભા માણેક, શાર્દૂલભા ગંગાધરભા વાઘા અને વનરાજભા લગધીરભા માણેક નામના ચાર શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા 4070 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઓખાના બસ સ્ટેશન ચોક પાસેથી પોલીસે મયુરભા પબુભા સુમણિયા નામના 24 વર્ષના હિન્દુ વાઘેર શખ્સને વરલી મટકાના જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.
કલ્યાણપુરમાં ધોકા સાથે નીકળેલા વાહન ચાલક સામે કાર્યવાહી
કલ્યાણપુરથી આશરે 28 કિલોમીટર દૂર સિદસરા ગામના પાટીયા પાસેથી ગત સાંજે પૂરઝડપે અને ભયજનક રીતે પસાર થઈ રહેલા જી.જે. 13 સી.એ. 7884 નંબરના એક બોલેરો વાહનને પોલીસે અટકાવી ચેકિંગ કરતા આ બોલેરોના કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવામાં આવી હતી. એટલું જ નહીં, ચેકિંગ દરમિયાન આ બોલેરોમાંથી લાકડાનો ધોકો પણ મળી આવતા કલ્યાણપુર પોલીસે ડ્રાઈવિંગ લાયસન્સ વગર નીકળેલા આ વાહનના ચાલક એવા ગોપાલ ખીમાભાઈ અલગોતર (રહે. જામવાડી, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર) સામે આઈ.પી.સી. કલમ 279, જાહેરનામા ભંગની કલમ 188 તથા એમ.વી. એક્ટ વિગેરે મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.
કલ્યાણપુરમાં દારૂ અંગે પોલીસ કાર્યવાહી
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા જગદીશ ઉર્ફે જગુ નુંઘાભાઈ રૂડાચ નામના 20 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂની એક બોટલ, મોટરસાયકલ તથા મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 25400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.
એલસીબી પોલીસની કાર્યવાહીમાં કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા કાનાભા માયાભા માણેકના કબજામાં રહેલો 40 લીટર દેશી દારૂ તથા 500 લીટર આથો અને રૂપિયા 25,000 ની કિંમતના મોટરસાયકલ મળી કુલ રૂપિયા 27,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આરોપી પોલીસને હાથ ન લાગતાં કલ્યાણપુર પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
સલાયામાં રખડતો ભટકતો શખ્સ ઝડપાયો
સલાયાની મેઈન બજાર વિસ્તારમાંથી પોલીસે મોડી રાત્રિના સમયે કિશન દેવાભાઈ ડગરા (ઉ.વ. 26, રહે, હાપીવાડી) ને દુકાનોના તાળા તપાસતા શંકાસ્પદ હાલતમાં ઝડપી લઈ, તેની સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ કાર્યવાહી કરી હતી.
0 Comments
Post a Comment