જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને ભૂતકાળમાં બનેલા કેટલાક બનાવોથી ત્રાસવાદી તત્વો દેશના મહત્વપૂર્ણ શહેરોમાં પ્રવાસીઓ માટે બનાવેલા ગેસ્ટહાઉસ, હોટલ વિગેરે સ્થળોએ રોકાણ કરતા હોય છે. શહેરી તેમજ અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગેસ્ટહાઉસ, હોટલ વિગેરે સ્થળોએ ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાઈ શકે તેવી સંભાવનાઓ હોય છે. જામનગર જિલ્લામાં હાલ હોટેલોની સંખ્યામાં મહત્વપૂર્ણ વધારો થયો છે. જેથી દરરોજ બધી હોટેલોમાં ચેકિંગની પ્રક્રિયા મુશ્કેલ છે અને સમયનો વ્યય થાય છે. 

જેથી, જામનગર જિલ્લામાં 'પથિક' સોફ્ટવેરના અમલીકરણ બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં અંતર્ગત, જિલ્લાના તમામ હોટેલ/ ગેસ્ટ હાઉસ/ ધર્મશાળા/ રિસોર્ટ/ સમાજવાડી/ મુસાફરખાનાના માલિકોએ હોટેલ/ ગેસ્ટ હાઉસમાં રોકાણ કરનાર ગ્રાહક/ મુસાફરોની માહિતી 'પથિક' વેબ પોર્ટલ પર ફરજિયાતપણે એન્ટ્રી કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા પથિક (PATHIK-Programme for Analysis of Travelers and Hotel information) સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે. જેનું સર્વર ક્રાઈમ બ્રાંચ, અમદાવાદ ખાતે કાર્યરત છે. 

ક્રાઈમ બ્રાંચના સોફ્ટવેર સાથે રજીસ્ટર થયેલા હોય તે હોટલધારક જ અને ત્યાંથી આપવામાં આવેલા યુઝરનેમ અને પાસવર્ડ થકી જ પોર્ટલ પર માહિતીની એન્ટ્રી કરી શકાશે. ટેક્નોલોજીની મદદથી સમયમર્યાદામાં ગુનાઓ બનતા અટકાવી શકાય છે, આ ઉપરાંત, બનેલા ગુનાઓના ડિટેક્શનમાં પણ ટેક્નોલોજીની મદદ મળી રહે છે. તેમજ ગુનાઓ અને આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા આ પથિક સોફ્ટવેર મદદ કરે છે. 

આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર થશે, તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન. ખેર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.