જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


ખંભાળિયા તાલુકાના બેહ ગામે શનિવારે સાંજે એક ગઢવી યુવાન પર જૂની બાબતનું મન દુઃખ રાખીને બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પ્રકરણમાં આજરોજ સવારે યુવાને અંતિમ શ્વાસ ખેંચતા હુમલાનો આ બનાવ હત્યામાં પલટાયો હતો.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાથી આશરે 30 કિલોમીટર દૂર બેહ ગામથી આસોટા ગામ તરફ જતા રસ્તે નારણ પબુભાઈ વરજાંગવારા નામનો 22 વર્ષનો ગઢવી યુવાન શનિવારે સાંજે આશરે સાડા સાતેક વાગ્યાના સમયે જઈ રહ્યો હતો, ત્યારે આ યુવાનને માર્ગમાં અટકાવી અને બેહ ગામના થારીયા ભાયા ગઢવી નામના શખ્સે લોખંડના પાઈપ પડે તથા રણમલ ભાયા ગઢવીએ લાકડી વડે હુમલો કર્યો હતો.

આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નારણ પબુ ગઢવીને ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવારની આવશ્યકતા જણાતા અમદાવાદ લઈ જતા પૂર્વે રાજકોટ નજીક તેમને અંતિમ શ્વાસ ખેંચ્યા હતા.


આજથી આશરે એક વર્ષ પૂર્વે આરોપીઓના રહેણાંક મકાનમાં રોકડ રકમની ચોરી થયેલી હોય, જે અંગેના આક્ષેપો વચ્ચે આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ સાજાભાઈ ડાવાભાઈ વારજાંગવારા (ઉ.વ. 29, રહે. બેહ)ની ફરીયાદ પરથી ખંભાળિયા પોલીસે થારીયા ભાયા અને રણમલ ભાયા સામે મનુષ્યવધની કલમ 302 તથા 114 અને જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધરપકડ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.