જામનગર મોર્નિંગ - જામનગર 


અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક અધિકારો વિષે માહિતગાર કરવા માટે આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગર દ્વારા 'દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર: ૨૦૨૩' ગત તા. ૦૫ ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. 

આ નિઃશુલ્ક શિબિરમાં મુખ્ય મહેમાન અને સેવાભાવી વકીલ શ્રી મુનાફખાન એ. યુસુફજઈ દ્વારા ઉપસ્થિત સભ્યોને વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના અધિકારો માટેનો અધિનિયમ-૨૦૧૬ના પ્રકરણ-૪ કૌશલ્ય વિકાસ રોજગારની કલમ ૨૩, સરકારી સંસ્થાઓ દ્વારા રજીસ્ટર નિભાવવાની સરળ રીત તળેની જોગવાઈઓ, ઓટિઝમ, સેરેબલ પાલ્સી, માનસિક મંદતા અને બહુવિધ અપંગતા ધરાવતી વ્યક્તિઓના કલ્યાણ માટેના કાનૂન-૧૯૯૯ની કલમ- ૪૪ની જોગવાઈઓ વિષે સરળ ભાષામાં માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ ભવિષ્યમાં દિવ્યાંગોના હકો, હિતો માટેના શું-શું પગલાંઓ લઇ શકાય તે માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. 


કેમ્પમાં દિવ્યાંગ અગ્રણી અને ચેલા ગ્રામ ઉપસરપંચ કિરણસિંહ સોલંકી, દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના પ્રમુખ પ્રફુલાબેન મંગે, દિવ્યાંગ સામાજિક કાર્યકરો, ૩૦ જેટલા દિવ્યાંગો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહયા હતા. ઉપરોક્ત શિબિરને સફળ બનાવવા માટે ટ્રસ્ટના ઉપપ્રમુખ આર.જે. પાલેજા, દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના સેક્રેટરી રિયાબેન ચિતારા, હિરેનભાઈ ગોહેલ અને અરુણાબેન નિકોલાએ જહેમત ઉઠાવી હતી. તેમ દિવ્યાંગ સમાજ પ્રમુખ સત્તારભાઈ એમ. દરદાજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.