જામનગર મોર્નિંગ - રાજકોટ (સંજીવ કુમાર રાજપૂત)

રાજકોટના પ્રાંસલા ખાતે 11 ફેબ્રુઆરી 2023ના રોજ દેશભરના બાળકો માટે રાષ્ટ્રીય એકીકરણ શિબિરનો આરંભ થયો છે. આ શિબિર 19 ફેબ્રુઆરી 2023 સુધી ચાલુ રહેશે જેમાં 16,000થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવી શક્યતા છે.

આ રાષ્ટ્રીય એકીકરણ શિબિર દર વર્ષે ગુજરાતના રાજકોટ ખાતે યોજવામાં આવે છે. જોકે, કોવિડ-19ની પરિસ્થિતિને કારણે આ પ્રથા છેલ્લા બે વર્ષથી બંધ રાખવામાં આવી હતી અને આ વર્ષથી ફરી શરૂઆત કરવામાં આવી છે. 10 દિવસ માટે યોજવામાં આવેલી શિબિરનો ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય અખંડિતતા, એકતા, સામાજિક સમરસતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને તેમના શૈક્ષણિક તેમજ બૌદ્ધિક વિકાસમાં વૃદ્ધિ કરવાનો છે. આ શિબિરને રસપ્રદ અને શૈક્ષણિક બનાવવા માટે શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન, પ્રેરક વક્તવ્યો અને વીડિયો, કારકિર્દી માર્ગદર્શન, પ્રદર્શનો વિવિધ પ્રવૃત્તિઓ અને શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવા માટે રમતગમત, કરાટે વગેરેનું આયોજન કરવામાં આવે છે.

ભારતીય ભૂમિસેના, નૌસેના, ભારતીય તટરક્ષક, સીમા સુરક્ષા દળ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ભારતીય તિબેટીયન સીમા પોલીસ વગેરે સહિત અનેક સૈન્ય અને CPO એજન્સીઓ શિબિરના સંચાલનમાં સામેલ છે અને અહીં નવા યુગના સાધનો, શસ્ત્રો, ટેન્કો અને બંદૂકો પ્રદર્શિત કરવામાં આવશે જે તમામ બાળકોને દેશના સુરક્ષા દળોની ક્ષમતા વિશે પ્રત્યક્ષ રીતે અનુભવ મેળવવાની તક પૂરી પાડે છે.

સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને વીરતા પુરસ્કાર વિજેતાઓ દ્વારા પ્રેરક વક્તવ્યો પણ આપવામાં આવશે અને સામાન્ય ભરતીના અધિક ડાયરેક્ટોરેટ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અંગે વક્તવ્યની સાથે સૈન્યની જીવનશૈલીની સમજ આપવામાં આવશે અને બાળકોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવશે.