મુંબઈના બે શખ્સોએ લાખો રૂપિયાની છેતરપીંડી આચરી 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં નિકાવા ગામે રહેતા યુવાને સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ ગાડી ખરીદી બાદમાં ગાડીમાં ખામી નીકળતા રીપેરીંગ માટે પાછી લઈ ગયા હોય બાદમાં ગાડી ખરીદી માટે ચુકવેલ રૂ. દસ લાખમાંથી રૂ. 4.60 લાખ પરત આપી બાકી રહેલ રૂ. 5.40 લાખ પરત ન આપી અને ગાડી કે કાગળ પાછા ન મોકલતા મુંબઈના બે શખ્સ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ નિકાવા ગામે રહેતા ભાવેશભાઈ ગોવિંદભાઈ વિરડીયાએ ગત તા. 5-8-22ના સોશિયલ મીડિયામાં જૂની જીપ કંપાસ જોઈ હતી બાદમાં પોતાને લેવી હોય એટલે ટેલિફોનિક ચર્ચા શરુ કરી હતી, જીજે 27 સીએફ 3003 નંબરની કારની એડ સોશિયલ મીડિયામાં ભાવેશભાઈએ જોયા બાદ મહારાષ્ટ્રના કાંદીવલી-5માં ઈરાનીવાડી જૈન મંદિર સામે રહેતા શૈલેષભાઈ જૈન અને મુંબઈના જોગેશ્વરીમાં રહેતો દાનિશ અખ્તરભાઈ અન્સારી નામના શખ્સો સાથે ફોનમાં સોદો કરી રૂ. 9,50,000માં સોદો નક્કી કરી રૂ. 10,00,000 ઓનલાઇન એકાઉન્ટમાં પેમેન્ટ કરી ડીલેવરી સમયે રૂ. 50,000 ચેક દ્વારા પાછા આપવાનું નક્કી કર્યું અને ભાવેશભાઈએ ગાડીની ડીલેવરી લઈ લીધી. 

બાદમાં ગાડી ભાવેશભાઈના હાથમાં આવતા ગાડીમાં ખામી જણાતા શૈલેષ અને દાનિશને જાણ કરી કે ગાડીમાં રીપેરીંગ કરાવું પડે તેમ છે બાદમાં આરોપી શખ્સોએ કહેલ કે ગાડીમાં સ્કેનર મારવું પડશે જેથી ગાડી ત્યાંથી લઇ જઈએ અને રીપેરીંગ કરી પરત મોકલી આપશું બાદમાં શૈલેષ અને દાનિશ ભાવેશભાઇ ઘરેથી ગાડી પાછી લઈ ગયા અને આજ દિવસ સુધી ગાડી કે કાગળ કોઈપણ વસ્તુ પાછી આપી નથી અને ભાવેશભાઈએ આપેલ રૂ. દસ લાખમાંથી રૂ. 4,60,000 પરત આપી દીધા અને રૂ. 5,40,000 કે ગાડી માંગશો તો જોઈ લઈશ તેવી ફોનમાં ધમકી ઉચારી હતી. ત્યારબાદ ભાવેશભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં તેની સાથે છેતરપીંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 406, 507, 114 ગુનો નોંધી આગળની તપાસ જી.આઈ. જેઠવા ચલાવી રહ્યા છે.