પોલીસ તંત્ર તથા બેંકનું સંયુક્ત આયોજન 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા

ખંભાળિયા વિસ્તારમાં કામ ધંધો કરતા નાના વેપારીઓ, રેકડી ધારકો તેમજ ધંધાર્થીઓને ઓછા વ્યાજે બેંકમાંથી તાત્કાલિક લોન મળી રહે તેવા ઉમદા આશા સાથે આવતીકાલે બુધવારે સવારે ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા ટાઉન હોલ ખાતે એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
      રેન્જ આઈ જી અશોકકુમાર યાદવની ખાસ ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના વડપણ હેઠળ આયોજિત આ કેમ્પમાં તમામ બેંકના કર્મચારીઓ તથા લોન ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિઓ હાજર રહેશે. જેમાં જાહેર જનતા ઓછા વ્યાજે કઈ રીતે નાણા મેળવી શકે તેની માહિતી આપવામાં આવશે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થાય તાત્કાલિક લોન મળે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
    આ કેમ્પમાં જરૂરિયાતમંદ વેપારીઓ, ધંધાર્થીઓ ઉપસ્થિત રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
     દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેફામ વ્યાજ વસૂલ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. આ પરિસ્થિતિ વચ્ચે નાના ધંધાર્થીઓ તેમજ જરૂરિયાતમંદ લોકોને આર્થિક જરૂરિયાત માટે લોન લેવાની સરળતા બની રહે તેવા ઉમદા આશયથી આ લોન મેળાનું આયોજન કરાયું છે.