જામનગર મોર્નિંગ - મુંબઈ

વિમેન્સ પ્રીમિયર લીગની શરૂઆતની સીઝન પહેલા ખેલાડીઓની મહત્વપૂર્ણ અને યાદગાર હરાજીના અંતે મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા એમ. અંબાણીએ હરાજીને 'મહિલા ક્રિકેટ માટે ખૂબ જ ખાસ દિવસ' ગણાવી હતી.

"હરાજી હંમેશા રોમાંચક હોય છે પરંતુ આજનો દિવસ ખરેખર ખાસ હતો. આ પ્રથમ હરાજી હતી (WPL માટે), તેથી આજનો દિવસ ખરેખર એક ઐતિહાસિક દિવસ હતો. આજે તમામ નામ અને આંકડા કરતાં દરેકને મહિલા ક્રિકેટરોની અદ્દભૂત પ્રતિભાને ઉત્સાહિત કરતા અને ઉજવણી કરતા જોવાં વધારે આનંદદાયક હતું.”

નીતા એમ. અંબાણી સાથે હરાજીમાં આકાશ અંબાણી ઉપરાંત એમઆઇના ગ્લોબલ હેડ ઑફ પર્ફોર્મન્સ માહેલા જયવર્દને અને મહિલા ટીમ માટે નવી રચાયેલી કોચિંગ ટીમ - ચાર્લોટ એડવર્ડ્સ (મુખ્ય કોચ), ઝુલન ગોસ્વામી (ટીમ મેન્ટર અને બોલિંગ કોચ) તથા દેવિકા પાલશીકર (બેટિંગ કોચ) જોડાયા હતા.

રમતગમત પ્રત્યેના તેમના જુસ્સા અને વધુ મહિલાઓ તથા યુવતીઓને રમતગમત માટે પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતાને જોતાં શ્રીમતી અંબાણી ખેલાડીઓની પસંદગીથી ખુશ હતા અને તેમણે ભારતના કેપ્ટનને પહેલાથી જ પોતાની ટીમમાં સુરક્ષિત કરી દીધા હતા. “એક ટીમ તરીકે જે રીતે હરાજી થઈ છે તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ. અમે મુંબઈ ઈન્ડિયન્સમાં ભારતીય કેપ્ટનનો સમાવેશ કરીને ખૂબ જ ખુશ છીએ, જ્યાં અમારી પાસે પહેલાથી જ પુરુષ ટીમના કેપ્ટન પણ છે. અમે ટીમમાં નેટ (સાયવર-બ્રન્ટ), પૂજા (વસ્ત્રકાર) અને એમઆઇ પરિવારમાં જોડાઈ રહેલી તમામ પ્રતિભાશાળી મહિલાઓને જોઈને પણ ખૂબ જ ઉત્સાહિત છીએ.

આઇપીએલની આગામી આવૃત્તિ રોહિત શર્માની ફ્રેન્ચાઇઝીનું સુકાન સંભાળવાની દસમી વર્ષગાંઠને પણ ચિન્હિત કરશે અને નીતા અંબાણી બંને ભારતીય કેપ્ટન્સના એમઆઇ પરિવાર માટે શાનદાર પર્ફોર્મન્સ અંગે ખૂબ જ ઉત્સાહિત હતા.

“મેં રોહિત (શર્મા)ને મુંબઈ ઈન્ડિયન્સમાં ખેલાડીમાંથી કેપ્ટન બનતા જોયા છે અને આ વર્ષે અમે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિતના 10 વર્ષ પૂરા કર્યા છે. અમે હવે MI પરિવારમાં હરમન (હરમનપ્રીત કૌર)નું સ્વાગત કરી રહ્યા છીએ.” નીતા અંબાણીએ ટી20 ઇન્ટરનેશનલના ઇતિહાસમાં બે સૌથી સફળ કેપ્ટનો વચ્ચે સમાનતા દર્શાવી હતી.

“તે બંને ખૂબ જ સારો અનુભવ, વ્યાવસાયીકરણ અને વિજયની માનસિકતા સાથે આવે છે. તેઓ અમારા તમામ યુવાનો માટે એક મોટી પ્રેરણા છે. તેથી અમે આ બંને ખેલાડીઓ માટે ખરેખર ઉત્સાહિત છીએ.”

તેમણે અંડર 19 તેમજ સિનિયર વુમન ઇન બ્લુ બંનેની સિદ્ધિઓને પણ બિરદાવી હતી. “આપણી અંડર 19 મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો અને તેનાથી આખા દેશને ખૂબ જ ગર્વ થયો. મારા તેમને અભિનંદન. આપણી (વરિષ્ઠ) મહિલા ટીમે પણ ટી-20 વર્લ્ડ કપમાં તેમની શરૂઆતની મેચમાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું.”

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનો ભાગ બનનાર પ્રથમ ભારતીય મહિલા એવા શ્રીમતી અંબાણીએ કહ્યું કે WPL ભારતમાં મહિલાઓ માટે રમતગમતના માનચિત્ર માટે સંભવિત વળાંક બની શકે છે.

“ભારતમાં મહિલાઓ માટેની રમતો એક વળાંક પર ઊભી છે. આપણી તમામ યુવતીઓ ખૂબ સારી રીતે રમી રહી છે અને હું તેમને જોઈને ગર્વ અનુભવું છું.”

રિલાયન્સ ફાઉન્ડેશન વર્ષોથી રમત ગમતમાં મહિલાઓની સહભાગિતાનું મોટું સમર્થક રહ્યું છે અને નીતા અંબાણીએ કહ્યું કે તેમને મળેલા સમર્થનથી તેમને ખૂબ જ ગર્વ થાય છે. “આ યુવતીઓને વધુ શક્તિ મળે. એ વાત ખૂબ જ ગર્વની છે કે અમે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતર્રાષ્ટ્રીય સ્તરે રમતગમત અને ક્રિકેટમાં મહિલાઓને સમર્થન તથા પ્રોત્સાહન આપવા સક્ષમ છીએ.”