જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


દવભૂમિ દ્વારકા જિલ્લાને સાંકળતા મોટાભાગના માર્ગોને સરકાર દ્વારા સુવ્યવસ્થિત અને નવેસરથી બનાવવામાં આવ્યા છે.  ખંભાળિયા તાલુકાના વાડીનારથી દ્વારકા સુધીના આશરે રૂ. 1200 કરોડ જેટલા નવા નકોર ફોરલેન સીસી રોડનું કામ મહદઅંશે પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે દ્વારકાથી ઓખા સુધીના રસ્તાને પણ નેશનલ હાઈ-વે જેવો બનાવવા માટેની સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી છે.

    ખંભાળિયાથી દ્વારકા અને પોરબંદરથી દ્વારકાનો આધુનિક અને ફોર ટ્રેક રોડ બન્યા બાદ દ્વારકાથી ઓખા વચ્ચેના 30 કી.મી.ના રસ્તાને પણ નેશનલ હાઈવે જેવો બનાવવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે. હાલમાં દ્વારકાથી મીઠાપુર વચ્ચેનો સ્ટેટ હાઇવે ઠીક ઠીક છે. પરંતુ મીઠાપુરથી ઓખા વચ્ચેનો રસ્તો મગરની પીઠ જેવો બની રહેતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો તથા યાત્રાળુઓને હાલાકીનો સામનો કરવો પડે છે.

    ત્યારે દ્વારકાથી ઓખાનો રસ્તો પણ હવે ફોર ટ્રેક થઈ ગયા બાદ આ વિસ્તારના રહીશોને વધુ એક સુવિધા સાથે જર્જરિત માર્ગથી મુક્તિ મળશે.

     અત્રે ઉલ્લેખની છે કે ચારધામ પૈકીના એક એવા દેવભૂમિ દ્વારકામાં સરકાર દ્વારા કોરીડોરના નિર્માણ ઉપરાંત વિશ્વની સૌથી ઊંચી ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાના નિર્માણનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા આ વિસ્તારના વિકાસ માટે ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.