બેઠક રોડના તાકીદે નવનિર્માણ અંગે શહેર પ્રમુખની રજૂઆત

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

ખંભાળિયા શહેરના મહત્વના એવા બેઠક રોડની હાલત છેલ્લા ઘણા સમયથી ખૂબ જ જર્જરિત હોય, આ મુદ્દે લોકોના ઉગ્ર રોષ વચ્ચે શહેર ભાજપ પ્રમુખ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આ માર્ગ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ખંભાળિયામાં નગર ગેઈટથી મહાપ્રભુજીની બેઠક સુધીના રસ્તા પર અનેક નાની-મોટી દુકાનો, રહેણાંક મકાનો વિગેરે આવેલા છે. વિવિધ જ્ઞાતિની વાડી, મંદિરો વચ્ચેથી પસાર થતાં આ રસ્તાની હાલત છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ ખખડધજ છે. અવારનવાર અહીં થૂંકના થીગડા લગાવવામાં આવે છે. પરંતુ નવેસરથી સુવ્યવસ્થિત આખો રોડ બનાવવામાં આવતો નથી. હાલમાં પણ આ રસ્તાની સરખામણી ગાડામાર્ગ સાથે કરી શકાય તેવી છે.


વાહન ચાલકોના હાડકા ખોખરા કરી નાખતા આ રસ્તા અંગે લોકોના રોષ વચ્ચે અહીંના શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક લેખિત પત્ર પાઠવી, આ રોડનું કામ તાકીદે શરૂ કરવાની માંગ કરી છે.

ખંભાળિયા નગરપાલિકા દ્વારા લાખો, કરોડો રૂપિયાના વિકાસ કામો કરવામાં આવે છે. પરંતુ વર્ષો અગાઉના "ગૌરવ પથ" એવા ઘણા લાંબા સમયથી ખખડી ગયેલા આ રસ્તાને દુરસ્ત કરવામાં આવતો નથી. જે બાબત લોકોમાં ટીકાસ્પદ બની રહી છે.