ખંભાળિયાની યુવતીનું ભરણપોષણ મંજુર કરતી ફેમિલી અદાલત

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)


ખંભાળિયામાં રહેતા મુકેશભાઈ હિંડોચાના પુત્રી રશ્મિબેનના લગ્ન રાજકોટ ખાતે રહેતા વિશાલ ધીરજલાલ કોટક સાથે ગત તારીખ 9 ફેબ્રુઆરી 2020 ના રોજ હિન્દુ શાસ્ત્રોત વિધિથી વડીલોની હાજરીમાં થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની રાજકોટ ખાતે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. લગ્ન બાદ પતિ દ્વારા પત્ની રશ્મિબેનને થોડો સમય સારી રીતે રાખવામાં આવી હતી.

ત્યારબાદ પતિ વિશાલ, સસરા ધીરજલાલ, સાસુ જયશ્રીબેન, જેઠ રાજુભાઈ તથા જેઠાણી જાગૃતીબેન અને દેર મયુર, દેરાણી પ્રીતિબેન મયુરભાઈ કોટક વિગેરેએ રશ્મિબેનને ઘરકામ બાબતે મેણા ટોણા મારી, દહેજની માંગણી કરી, બિભત્સ ગાળો કાઢીને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું જાહેર થયું છે. બાદમાં ગત તારીખ 14 માર્ચ 2021 ના રોજ પરિણીતાને સમૂહલગ્નમાં આવેલી સ્ત્રી ધનની ચીજ વસ્તુઓ વિગેરે રાખી લઈને પહેર્યા કપડે ઘરની બહાર કાઢી મુકતા તેણી પોતાના પિતાના ઘરે રહેતી હતી.

આ સમગ્ર પ્રકરણ અંગેનો કેસ ખંભાળિયાની પ્રિન્સિપાલ ફેમિલી કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પતિ વિરુદ્ધ ભરણપોષણની અરજી કરવામાં આવતા આ અંગે અરજદારના વકીલ જીતેન્દ્ર કે. હિંડોચા તથા હર્ષિદા કે. અશાવલા વિગેરેની દલીલોને ધ્યાનમાં લઈને જજ શ્રી ડી.બી. બારોટ સાહેબ દ્વારા અરજદારની ભરણપોષણની અરજી અંશતઃ મંજુર કરી અને અરજદારને અરજીની તારીખથી માસિક રૂપિયા 7,500 નિયમિત રીતે ચૂકવી આપવા તેમજ અરજી ખર્ચ પેટે રૂ. 1,000 અલગથી ચૂકવવા માટેનો હુકમ કર્યો છે.


ભાણવડના યુવાનું કુવામાં પડી જતા મૃત્યુ

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

ભાણવડના ખરાવડ વાડી વિસ્તારમાં રહેતા પ્રદ્યુમનભાઈ ઉર્ફે પ્રદીપભાઈ રણછોડભાઈ વલ્લભભાઈ નકુમ નામના 35 વર્ષના સતવારા યુવાનનો મૃતદેહ કાકરવાડી વિસ્તારમાં આવેલી એક વાડીમાં રહેલા કૂવામાંથી મળી આવ્યો હતો.

આ અંગે મૃતકના પિતા રણછોડભાઈ વલ્લભભાઈ નકુમ દ્વારા પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મૃતક યુવાન પ્રદ્યુમનભાઈ છેલ્લા આશરે બે માસથી ફોનમાં સતત વાત કરતો હતો અને તે ગુમસુમ રહેતો હોય, સંભવિત રીતે પ્રેમ સંબંધમાં હોવાથી કોઈ બાબતે તેને મનમાં લાગી આવતા કૂવામાં પડી ગયા બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ભાણવડ પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.


બાકોડી ગામે ચાર જુગારીઓ ઝડપાયા

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામના પાદરમાં પાણીના ટાંકા પાસે બેસી અને જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા મનસુખ નારણદાસ મેસવાડીયા, જેઠા ભીખાભાઈ નંદાણીયા, લગધીર અરજણભાઈ ગોજીયા અને મેરામણ ધરણાંતભાઈ ગોજીયા નામના ચાર શખ્સોને ઝડપી લઈ, પોલીસે કુલ રૂપિયા 1,330 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


દ્વારકામાં છરી સાથે યુવાન ઝડપાયો

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા કારૂભા દેવુભા સુમણીયા નામના 50 વર્ષના શખ્સને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ કાર્યવાહી કરી હતી.


જાહેરનામા ભંગ સબબ ભાણવડના રેસ્ટોરન્ટ સંચાલક સામે ગુનો

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

ભાણવડમાં બસ સ્ટેશન રોડ ઉપર આવેલી ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં છેલ્લા બે વર્ષથી સીસીટીવી કેમેરા ન હોવાથી જિલ્લા એસ.ઓ.જી. વિભાગના જીતુભાઈ હુણ દ્વારા રેસ્ટોરન્ટના સંચાલક ભુપતભાઈ હંસરાજભાઈ રાઠોડ (ઉ.વ. 49) સામે જાહેરનામા ભંગની કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.


સલાયામાં પીધેલો વાહન ચાલક ઝડપાયો

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

સલાયાના ડી.વી. નગર ખાતે રહેતા કિશન લાલાભાઈ પરમાર નામના 22 વર્ષના શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં સીડી ડીલક્ષ મોટર સાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ કાર્યવાહી કરી હતી.