પાયાની સુવિધામાં વધારો થશે, વિકાસની ગાડી વધુ વેગ પકડશે
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ તાજેતરમાં સત્તારૂઢ થયેલી નવી સરકારનું પ્રથમ બજેટ ગઈકાલે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2023-24 ના આ બજેટમાં કોઈપણ નવા કરવેરા લાગુ ન કરાતા વિવિધ ક્ષેત્રના ધંધાથીઓ તેમજ નાગરિકોએ રાહતની લાગણી અનુભવી છે. સાથે સાથે મહત્વના એવા વિવિધ ક્ષેત્રને સાંકળતી રાહત તેમજ છૂટછટથી લોકોની સુખાકારીમાં વધારો થશે તેવો મત દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના રૂ. 3.01 લાખ કરોડના પુરાંતલક્ષી બજેટ સંદર્ભે વિવિધ જોગવાઈઓ તેમજ નાણાકીય ફાળવણીનો અભ્યાસ કરી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાનોએ આ બજેટને આવકારીને વિકાસ લક્ષી ગણાવ્યું છે.
દેશના છેવાડાના અને મહત્વના એવા દ્વારકામાં ખાસ વિકાસ તેમજ યાત્રાધામ કોરીડોરના પ્રસ્તાવ સાથે અહીં નવા એક એરપોર્ટના નિર્માણ માટે ખાસ રકમની જોગવાઈ કરવામાં આવતા સમગ્ર જિલ્લાની જનતામાં આનંદની લાગણી જોવા મળી છે. સાથે સાથે અહીં પ્રવાસન તથા યાત્રાધામને વધુ વેગ મળશે તેવા પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને આરોગ્ય તેમજ શિક્ષણ ઉપર વધુ ભાર આપવામાં આવ્યો છે. ત્યારે નવી સરકારી શાળાઓ ઊભી કરવા તેમજ હાલની શાળાઓમાં વધારાની સુવિધા માટે કુલ રૂપિયા 43,651 કરોડ મંજૂર કરાતા બજેટમાં સૌથી વધુ રકમની આ ફાળવણીથી શિક્ષણનું સ્થળ ઊંચું જશે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ માટે પણ રૂપિયા 15,140 કરોડ ની ફાળવણી કરવામાં આવતા સમગ્ર રાજ્ય સશક્ત બનશે.
આમ, વિકાસ લક્ષી મહત્વની સેવાઓ માટે કુલ રૂ. 1.91 લાખ કરોડની જોગવાઈથી આમ જનતાની સુખાકારીમાં વધારો થશે તેવો મત ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા ઉપરાંત ગરીબો લક્ષી કલ્યાણકારી યોજનાઓ માટે પ્રાધાન્ય આપવામાં આવતા આમ જનતા લક્ષી ગણાવી અને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, ખંભાળિયા નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય, શહેર મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, યુવા ભાજપના ઉપપ્રમુખ રાજુભાઈ ભરવાડ, યોગેશભાઈ મોટાણી, દિનેશભાઈ દતાણી, વિગેરેએ આ બજેટને આવકાર્યું છે.
0 Comments
Post a Comment