જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા નજીક આવેલા દ્વાદર્શ જયોર્તિલિંગ નાગેશ્વર મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે આવતીકાલે શનિવારે હરી અને હરનાં ભક્તોનો મેળાવડો જામશે.

દ્વારકાના નાગેશ્વર જ્યોતર્લિંગ ખાતે સ્થાનિક ભક્તો ઉપરાંત પ્રવાસીઓ પણ મહાદેવને દૂધ અને જલથી અભિષેક કરી બિલ્વપત્ર ચડાવીને શિવને પ્રસન્ન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. કલાકાર સ્વ. ગુલશન કુમાર દ્વારા બનાવવામાં આવેલી 85 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા જોઈને સૌ કોઈ પ્રભાવિત થઈ જાય છે. આશરે 5500 વર્ષ જૂના આ મંદિરનો ગુલશન કુમાર દ્વારા જીર્ણોદ્ધાર કરાયા બાદ વધુ ખ્યાતિ પામેલા આ મંદિરે શિવ ભક્તોની સવારથી જ લાઇનો લાગે છે.

આવતીકાલે શનિવારે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સમગ્ર શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. આખી રાત મહાપૂજા સાથે ચાર પ્રહારની આરતીના દર્શન માટે ભાવિકો ઉમટી પડશે. સ્થાનિક ભક્તો ઉપરાંત યાત્રાધામ દ્વારકા ખાતે આવતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ- ભક્તો પણ હરી અને હર બન્નનેના દર્શનનો બેવડો લાભ મેળવી ધન્ય થાય છે. દિવસભર મહાદેવના ભકતો આ કૃષ્ણ સ્થાપિત શિવલિંગ પર દૂધ અને જલનો અભિષેક કરવા લાઈનોમા ઊભા રહે છે.

મહાશિવરાત્રીને અનુલક્ષીને ચાર પહોરની આરતી કરવામાં આવશે. સવારે 6 વાગ્યે મહાઆરતી તથા સાંજના 8 વાગ્યે મહાપૂજા કરવામાં આવશે. શિવરાત્રી મહાપર્વને લઈ આખા દિવસ દરમિયાન ચા, પાણી, નાસ્તો, પ્રસાદ તથા ફળહારની વ્યવસ્થા કરવામાં આવી છે. મહા આરતી તથા મહાશિવરાત્રીના નિમિત્તે ભોળાનાથના દર્શનનો લાભ લેવા વારાદાર પુજારી મહંત શ્રી હરીશભારથી ફુલભારથી ગૌસ્વામી દ્વારા શિવ ભક્તોને જણાવવામાં આવ્યું છે.