જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

કલ્યાણપુર તાલુકાના ભાટવાડિયા ગામની સીમમાં રહેતો હેભાભાઈ કારૂભાઈ ભાટિયા નામનો 19 વર્ષનો યુવાન ગઈકાલે શનિવારે સવારના સમયે તેના જી.જે. 10 બી.સી. 3236 નંબરના મોટરસાયકલ પર બેસી અને તેમના ઘરેથી ભાટિયા જવા માટે નીકળ્યો હતો, ત્યારે આશરે છએક વાગ્યાના સમયે કલ્યાણપુરથી આશરે 18 કિલોમીટર દૂર ગોકુલપર ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પરથી પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે હેભાભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો.

જેના કારણે બાઇક ચાલક હેભાભાઈ ફંગોળાઈ ગયો હતો અને ગંભીર હાલતમાં કલ્યાણપુરની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા કારૂભાઈ ભોલાભાઈ ઉર્ફે ભુલાભાઈ ભાટીયા (ઉ.વ. 55, રહે. ભાટવડીયા) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા આરોપી વાહનચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 

પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપરથી કેફી પીધેલી હાલતમાં રૂ. 20,000 ની કિંમતના સીડી ડીલક્ષ મોટરસાયકલ પર નીકળેલા દેવા રાજા ઠુંગા (ઉ.વ. 45, રહે. રામનગર)ને પોલીસે ઝડપી લીધો હતો. સલાયામાં નગરપાલિકા પાસેથી શિવા રાજુ બોડુ (ઉ.વ. 28) ને રૂપિયા 10,000 ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પરથી કેફી પીણું પીધેલી હાલતમાં તેમજ કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામેથી અશોક ફતેસિંહ જાડેજા (ઉ.વ. 42) ને રૂ. 25,000 ની કિંમતના મોટરસાયકલ પર ડ્રાયવિંગ લાયસન્સ વગર કેફી પીણું પીધેલી હાલતમાં સ્થાનિક પોલીસે ઝડપી લઈ, આઈ.પી.સી. કલમ 185 વિગેરે મુજબ કાર્યવાહી કરી હતી.

નંદાણા ગામે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા પાલા કેસુર કરંગીયા, નારાયણ કાનજી પરમાર, મથુર ભાણજીભાઈ પરમાર, માલદે અરજણ આંબલીયા, સગા વકાભાઈ ચાવડા અને અશ્વિન રામજીભાઈ સચદેવ નામના સાત શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 12,720 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

ઓખામાં ધોકા સાથે બે યુવાનો ઝડપાયા

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)

ઓખાના બસ સ્ટેશન ચોક પાસેથી પોલીસે અલાયા આદમ સોઢા (ઉ.વ. 36) અને મેઈન બજાર વિસ્તારમાંથી પોલીસે જીતેશભા માંડણભા સુમણીયા (ઉ.વ. 23) નામના બે શખ્સોને ઝડપી લઈ, બંને સામે આઈ.પી.સી. કલમ 135 (1) મુજબ કાર્યવાહી કરી હતી.