જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

ભાણવડ તાલુકાના પાછતર ગામે વીજ બિલની બાકી રકમની ઉઘરાણી કરવા ગયેલા પી.જી.વી.સી.એલ. ના અધિકારી તથા સ્ટાફને અટકાવી અને બિભત્સ ગાળો કાઢી, ફરજમાં રૂકાવટ કરતા રબારી શખ્સ સામે ગુનો નોંધાયો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ ખાતે રહેતા અને પીજીવીસીએલમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા સંદીપકુમાર અંબાલાલ પટેલ (ઉ.વ. 36) નામના અધિકારી પીજીવીસીએલની બિલની બાકી ઉઘરાણીની ફરજ પર હતા. ત્યારે ગઈકાલે ગુરુવારે સાંજના સમયે પાછતર ગામના નાથાભાઈ રામાભાઈ મોરીની વાડીએ બિલની બાકી રકમની ઉઘરાણી માટે ગયા હતા. જ્યાં નાથાભાઈ મોરીએ તેમની સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. એટલું જ નહીં, તેમણે વીજ બિલ ભરવાની પણ ના ભણી દીધી હતી. જેથી ઉપસ્થિત અધિકારીએ "જો તમે આ બિલની ભરપાઈ નહિ કરો તો તમારું કનેક્શન કાપી નાખવામાં આવશે"- તેમ કહેતા નાથાભાઈ ઉશ્કેરાઈને અધિકારી તથા ફરજ પરના સ્ટાફને બિભત્સ ગાળો કાઢી, આ સ્થળે રહેલો લોખંડનો પાવડો મારવા માટે ઉગામી અને ફરજમાં રૂકાવટ કરી હતી.


આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે વીજ અધિકારી સંદીપકુમાર પટેલની ફરિયાદ પરથી નાથાભાઈ રામાભાઈ મોરી સામે આઈ.પી.સી. કલમ 186, 504 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.