આયુષ્યમાન કાર્ડ, આધારકાર્ડ અપડેટ, થેલેસેમિયા ટેસ્ટ સહિતના આયોજનો થયા: રક્તદાન કેમ્પમાં 101 બોટલ રક્ત એકત્ર થયું 

જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 

ખંભાળિયામાં રવિવારે રઘુવંશી દાતા સદગૃહસ્થ પરિવાર દ્વારા રઘુવંશી જ્ઞાતિના સમૂહ ભોજન સાથે રક્તદાન કેમ્પ સહિતના વિવિધ સેવાકાર્યો યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો-નગરજનો જોડાયા હતા.

ખંભાળિયાના અગ્રણી ઓઈલ મિલર સ્વ. પ્રાણજીવન જેઠાલાલ દતાણી પરિવાર દ્વારા ગઈકાલે રવિવારે અત્રે બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે વિવિધ સેવા કાર્યો તથા સમૂહ જ્ઞાતિ ભોજન (નાત)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બપોરે સારસ્વત માસ્તાન સમૂહ ભોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સાથે યોજવામાં આવેલા આયુષ્યમાન કાર્ડ કેમ્પનો લાભ 90 જેટલા લોકોએ લીધો હતો. તેમજ આધાર કાર્ડ અપડેટ કેમ્પનો લાભ પણ 70 નગરજનોને મળ્યો હતો.

દતાણી પરિવારની આ સેવા પ્રવૃત્તિમાં 150 જેટલા જ્ઞાતિજનોના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં 101 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી સેવાની જ્યોત જલાવી હતી.

રવિવારે રાત્રે રઘુવંશી જ્ઞાતિના ભાઈઓ તથા બહેનોના સમૂહ ભોજન (નાત)ના કાર્યક્રમમાં ખંભાળિયા ઉપરાંત દ્વારકા, સલાયા, બારાડી પંથક ઉપરાંત જામનગરથી પણ જ્ઞાતિ અગ્રણીઓ તેમજ મહાજનના આગેવાનો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમૂહ પ્રસાદનો લાભ લીધો હતો.

આ સુંદર અને સફળ આયોજનમાં લોહાણા મહાજન ટ્રસ્ટના વડપણ હેઠળ જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ તેમજ આગેવાનો, યુવાનો અને કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. જે બદલ આયોજક પરિવારના હિતેશભાઈ દતાણી દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.