જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા) 


દ્વારકાથી આશરે 10 કિલોમીટર દૂર નાગેશ્વર રોડ ઉપર આવેલા અમેઝિંગ ફન વર્લ્ડ ખાતે રહેતા અભિનીત સિયાશરણભાઈ પટેલ નામના 22 વર્ષના યુવાન શનિવારે તેના જી.જે. 37 સી. 2218 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને અમેઝિંગ ફન વર્લ્ડ ખાતે આવી રહ્યા હતા ત્યારે ધ્રાસણવેલ ગામ નજીકની ગોલાઈ પાસે પહોંચતા પૂર ઝડપે આવી રહેલા આ મોટરસાયકલ પર બાઈક ચાલક અભિનીતભાઈ પટેલે કાબુ ગુમાવી દીધો હતો અને આ મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું.

આ અકસ્માતમાં અભિનીતભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના ઉમરીયા જિલ્લાના માનપુર તાલુકાના સૂર્યપ્રકાશ ભોલાપ્રસાદ ત્રિવેદીની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે મૃતક બાઇક ચાલક અભિનીતભાઈ પટેલ સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.