રૂ. 4.20 લાખના દાગીના લઈ મહિલા રફૂચક્કર

જામનગર મોર્નિંગ - જામનગર 


 

જામનગર શહેરમાં ચાંદીબજાર વિસ્તારમાં રહેતા વૃધ્ધાને સરકારી સહાય આપાવવાનું કહી કાગળીયાનું કામ કરી વૃધ્ધાને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના બેંકના લોકરમાં મુકવાનો વિશ્વાસ દેવડાવી અજાણી મહિલા દાગીના લઈને રફૂચક્કર થઈ જતા સીટી એ ડિવિઝનમાં જાણ કરતા પોલીસે અજાણી મહિલા સામે છેતરપીંડી આચરવા સબબ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.  

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ચાંદીબજાર વિસ્તારમાં આવેલ નેમીનાથ દેરાસર પાસે ઝવેરી ઝાંપામાં રહેતા નૂતનબેન નવીનચંદ્ર મહેતાના માસી રમાબેન રમેશચંદ્ર મહેતા સાથે ગત તા. 17ના બપોરે ત્રણેક વાગ્યાના આસપાસ એક અજાણી સ્ત્રી ઘરે આવી રમાબેનને જણાવ્યું હતું કે સરકાર દ્વારા વૃધ્ધ માણસોને રૂ. 25 હજારની સહાય મળે છે તેમ જણાવી રમાબેનને ઘરેથી લાલબંગલા ખાતે લઈ જઈ આ બાબતના કાગળિયાઓનું કામ કરાવી આપી રમાબેનનો વિશ્વાસ જીતી લીધો હતો. બાદમાં સાતિર સ્ત્રીએ પોતાના મનમાં રહેલ યોજના મુજબ રમાબેનને જણાવ્યું કે તમારી પાસે રોકડ રૂપિયા કે દાગીના હોય તે બેંકના લોકરમાં મુકી આપો જેથી બેંકમાં તમારા દાગીના અને રોકડ સલામત રહેશે.

બાદમાં રમાબેને આ અજાણી સ્ત્રીને ચાર તોલાની રૂ. 1,60,000ની કિંમતની ચાર નંગ બંગળી, આશરે દોઢ તોલાનો રૂ. 60 હજારની કિંમતનો ચેઇન, અઢી તોલાની રૂ. 1,00,000ની કિંમતની હાથમાં પહેરવાની પાટલી, રૂ. 40 હજારની કિંમતનો સોનાનો ચેઇન, રૂ. 20 હજારની સોનાની વીંટી તથા રૂ. 20,000ની અડધાં તોલાની કાનમાં પહેરવાની બે નંગ બુટી કુલ મળી રૂ. 4,20,000ના તમામ દાગીના બેંક લોકરમાં મુકવાનું કહી લઈ ગઈ હતી અને પાંચેક દિવસમાં બેંકની રસીદ આપવાનું કહ્યું હતું બાદમાં આજદિન સુધી રશીદ કે સોનાના દાગીના પરત નહીં કરતા રમાબેનને જાણ થઈ કે તેમની સાથે વિશ્વાસઘાત કરી સોનાના દાગીના લઇને અજાણી સ્ત્રી રફુચક્કર થઈ ગઈ છે આ બનાવની જાણ પરિવારમાં કરતા નૂતનબેને અજાણી મહિલા સામે શનિવારે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 406, 420 મુજબ ગુન્હો નોંધી પીએસઆઈ વી.આર. ગામેતી અજાણી મહિલાની શોધખોળ ચલાવી રહ્યા છે.