ગુજરાતી ભાષા અજોડ અને મીઠી છે: માહીસર
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
કોન્વેન્ટ સ્કૂલ, સીબીએસસી અને ઇંગ્લીશ મીડીયમ સ્કુલના લોકોમાં વધતા જતા મહત્વ તેમજ વાલીઓમાં અંગ્રેજી ભાષાની મનાતી ઘેલછાથી જાણે ગુજરાતીનું મહત્વ હવે ઓછું થઈ રહ્યું હોય તેમ એક વર્ગ માની રહ્યો છે. આમ છતાં પણ ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક પ્રાથમિક શાળામાં ગુજરાતીને મહત્વ સાથે ગીતાના પઠન અને અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓના જીવન ઘડતર પર ભાર મૂકવામાં આવે છે.
ખંભાળિયાના ધરમપુર ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્ટ સ્કુલના પ્રારંભમાં મેનેજમેન્ટ દ્વારા ગુજરાતી ભાષાને પ્રાધાન્ય તેમજ ગીતાના શ્લોકનું પઠન કરાવી અને સાંસ્કૃતિક વારસો જાળવવામાં આવે છે. આ સ્કૂલના મુખ્ય સંચાલક માહીભાઈ સતવારા દ્વારા ખાસ કરીને વિદ્યાર્થીઓનું ભણતર ભાર વગરનું બની રહે તે બાબત પર ભાર મૂકવામાં આવે છે.
આટલું જ નહીં, આ શાળામાં ફોરેન લેંગ્વેજ તરીકે અરેબિક ભાષા (પરિચયાત્મક ધોરણે) બાળકોને શીખવવામાં આવે છે. આ ભાષાથી વિદ્યાર્થીઓને વિદેશી ભાષાના જ્ઞાન સાથે ગમ્મત પણ થાય છે.
આના અનુસંધાને શાળા સંચાલક માહિસર એ જણાવ્યું હતું કે "અમારો આશય માત્ર બાળકોને બીજી ભાષા સાથેનો પરિચય આપવાનો અને તેની સરખામણીએ આપણી ગુજરાતી ભાષા કેટલી સહેલી અને મીઠી છે તે દર્શાવવાનો છે. અમો બાળક પર કોઈ વધારાનું જ્ઞાન જબરજસ્તીથી થોપવા માંગતા નથી."
આટલું જ નહીં, વર્તમાન સમયમાં કોમ્પ્યુટરનું જ્ઞાન અનિવાર્ય છે. ત્યારે શાળાના વિદ્યાર્થીઓ પ્રાથમિકથી જ કોમ્પ્યુટરમાં રુચિ કેળવે અને શરૂઆતથી જ કોમ્પ્યુટર બાબતે માહિતગાર થાય તેવા પ્રયાસો પણ શાળા દ્વારા કરવામાં આવ્યા છે. બાળકો દરરોજ માતા-પિતાને પગે લાગીને પૂજાનું તિલક કરીને નૈસર્ગિક વાતાવરણમાં અભ્યાસ કરવા આવે છે.
રાજ્ય સરકાર દ્વારા અનેક રજૂઆતો પછી લાંબા સમયે ગુજરાતી ભાષા શીખવવી શાળા માટે ફરજિયાત કરી છે, ત્યારે ખંભાળિયાની આ અનોખી સ્કૂલ માતૃભાષા તેમજ સંસ્કૃતિ માટે પ્રારંભથી જાગૃત અને સક્રિય છે.
0 Comments
Post a Comment