બળજબરીપૂર્વક સેલ્ફી લેતા પોલીસ કાર્યવાહી
જામનગર મોર્નિંગ - ખંભાળિયા (કુંજન રાડિયા)
કલ્યાણપુર તાલુકાની એક કોલેજીયન યુવતીને હેરાન-પરેશાન કરી, સેલ્ફી લેવા તેમજ બળજબરી પૂર્વક મોબાઇલમાં વિડીયો રેકોર્ડિંગ કરી અને બદનામ કરવાના ઈરાદાથી પરેશાન કરી, મારી નાખવાની ધમકી આપતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતી 19 વર્ષની વિદ્યાર્થીની યુવતીએ રાણા પાલાભાઈ માતંગ તથા દિનેશ જગદીશભાઈ માતંગ (રહે. ભાટિયા) નામના બે શખ્સો સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આ યુવતી ગઈકાલે ગુરુવારે બપોરના સમયે કોલેજેથી પોતાના ઘરે ગઈકાલે એકલી જઈ રહી હતી ત્યારે આશરે 12:30 વાગ્યાના સમયે ઉપરોક્ત શખ્સોએ તેણીનો પીછો કરી, આરોપી રાણા પાલા માતંગે તેણીનો હાથ પકડી અડપલા કરી અને મોબાઈલમાં સેલ્ફી ફોટો લઈ લીધો હતો.
જ્યારે અન્ય આરોપી દિનેશ માતંગએ પાછળથી મોબાઈલમાં વિડીયો શુટીંગ લઈ અને તેણીની આબરૂ લેવાના ઇરાદાથી નિર્લજ્જ હુમલો કરી, તેણી સામે અવારનવાર ખરાબ નજરે જોઈ અને બદનામ કરવા ઈરાદાથી હેરાન પરેશાન કરવામાં આવતી હતી.
એટલું જ નહીં આરોપીઓએ તેણીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવવા અંગે પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 354, 506 (2), 114 વગેરે મુજબ ગુનો નોંધી, રાણા પાલા માતંગની અટકાયત કરી હતી. આ પ્રકરણની આગળની તપાસ પી.એસ.આઈ. કે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે.
ખંભાળિયામાં સગીરાના અપહરણ સબબ કોડીનારના શખ્સ સામે ફરિયાદ
ખંભાળિયાના રાવલ પાડો વિસ્તારમાં રહેતા એક પરિવારની 14 વર્ષ 7 માસની વયની સગીર પુત્રીને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવડી ગામે રહેતો નીરવ ઉર્ફે નિલેશ પ્રતાપભાઈ ચૌહાણ નામનો શખ્સ ગત તારીખ 21 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઇરાદાથી પરિવારજનોના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે સગીરાના દાદાની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોકસો એક્ટ મુજબ ગુનો નોંધી, સી.પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં હોટલ સંચાલક સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
દ્વારકાના તીનબત્તી ચોક વિસ્તારમાં આવેલી હોટલ ત્રિમૂર્તિના સંચાલક રીન્કુ ગોપાલભાઈ કક્કડે તેમની હોટલમાં આવતા-જતા યાત્રિકો અંગેની અંગેની નોંધ સરકારના નિયમ મુજબ પથિક સોફ્ટવેરમાં ન કરતા આ અંગે જિલ્લા એસ.ઓ.જી. પોલીસે હોટેલ સંચાલક સામે જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરી હતી.
0 Comments
Post a Comment