ખરેડી તથા આજુબાજુના વિસ્તારમાં કરા પડ્યા 

જામનગર મોર્નિંગ - જામનગર 

ઘણા સમય બાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને લીધે જામનગર તથા આજુબાજુના તાલુકામાં વરસાદી છાંટા પડ્યા હતા. કાલાવડ તાલુકાના ખરેડી તથા આજુબાજુના વિસ્તારમાં વાતાવરણમાં પલટાને લીધે આકાશમાં વાદળોની  જમાવટ જોવા મળી હતી અને ગઈકાલે રાત્રે વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા.

આ વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોના જીવ તાળવે બંધાઈ ગયા હતા. શિયાળાની ઠંડી ઓછી થતાની સાથે ઉનાળાની અસર ધીરે ધીરે વર્તાઇ રહી છે, ત્યાં જામનગરના વાતાવરણમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આની પહેલાંથી જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. જેની અસર વાતાવરણમાં આવેલા પલટા પરથી જોવા મળી હતી. જામનગર શહેરમાં શનિવારે રાત્રે વરસાદ પડ્યાના સમાચાર પણ મળ્યા હતા.

અત્યારે ખેતરમાં તમાકુ, ઘઉં જેવા પાકો ઉભા છે ત્યારે આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. કેટલાક ખેડૂતોએ તમાકુ, ઘઉં જેવા પાકોની લણણી પણ કરી લીધી છે. વરસાદી માવઠામાં આ પાક બગડવાની શક્યતા ખેડૂતો દ્વારા વર્તાઈ રહી છે.