જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતને લઈને પાડોશીએ જ પાડોશીની હત્યા કરી નાખતાં ખળભળાટ મચી ગયો છે. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ગુસ્સે ભરાયેલા પાડોશીએ આવેશમાં આવીને યુવક પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
મળતી વિગત મુજબ અંધાશ્રમ આવાસ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મુકેશ કાપરી નામના યુવકને ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે તેના પાડોશી સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુસ્સે ભરાયેલા પાડોશીએ આવેશમાં આવી જઈને મુકેશ કાપરી પર છરી વડે હુમલો કર્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. છરીના ઘા વાગવાથી મુકેશ કાપરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરીને ઘટનાની વિગતો મેળવી છે.
પોલીસે હત્યારા પાડોશીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
0 Comments
Post a Comment