૨૬ જાન્યુઆરી સવારે ૮.૫૬ નો ધરતીકંપ અને માત્ર ૩૬ કલાકમાં ૧૭ આફટર શોકથી સંદેશા વ્યવહાર ઠપ્પ અને ભયનું સામ્રાજ્ય સમગ્ર જામનગર-જોડીયા-બાલંભાને ગ્રસ્ત કર્યુ: આ એ ભુકંપ કે જે બાદ જામનગર સીસ્મીકઝિન-ચારમાં અંકિત થયુ અને ગુજરાતનો ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલમાં આવ્યો
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરનો વિકસી રહેલો વિસ્તાર રામેશ્વરનગર, ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ની સવાર અને ઘરોમાં ઘરેરાટી, ધ્રુજારી, ડોલતા ઘરોના ભોંયતળીયા... કંઇ સુઝકો ન પડે તેવી કુદરતી આફત વચ્ચે એક માતા પોતાના માસુમ દીકારાને તેડી ઘરની બહાર નીકળી પણઉભી હતી એક છજ્જા નીચે અને કુદરતના એ કોપાયમાન સ્વરૂપ વચ્ચે એ છજ્જુ પડ્યુ, જોરભેર પડ્યુ અને માતા અને બાળકના અરેરાટી ભર્યા મૃતયુ એ લોકોના કાળજા કંપાવ્યા અને ધરાની ધ્રુજારી વચ્ચે અકાળ મોતના આ દ્રશ્યો અને અનુભવથી લોકો સ્તબ્ધ હતા. લોકો ચીસો પાડતા ઘરની બહાર નીકળ્યા તો શેરીમાં, ગલીમા વીજપોલ જાણે હીંચકા ખાતા દેખાયા,ધરામાંથી ધ્રુજારીના અવાજ અને ઘણું બધુ.
આવુ જ એક બીજુ દ્રશ્ય કે જામનગરના ઐતિહાસીક લાલ બંગલામાં ધ્વજવંદનની તૈયારીઓ વચ્ચે પહેલા તો ધુળની ડમરીઓ ઉડી, બાદમાં જમીનમાંથી તીવ્ર ઘરેરાટી સંભળાઇ અને એ બધુ સમજાય એ પહેલા ધરા ભયાનક રીતે એવી ધ્રુજી કે માણસ સંતુલન ન રાખી શકે... પરંતુ તે વખતના બાહોશ કલેક્ટર રોહીત પાઠક અને ડીએસપી સતીષ વર્મા પરીસ્થિતિ પારખી ગયા અને કંટ્રોલરૂમ જે ત્યારે કલેક્ટર ઓફીસમાં અછતનો કંટ્રોલરૂમ હતો ત્યા દોડી ગયા, મોટાભાગના કર્મચારીઓ, અધીકારીઓ ધ્વજવંદનના કારણે ત્યાં જ હતા અને સેટેલાઇટ ફોનથી સંપર્ક કરવા લાગ્યા ત્યારે ખબર પડી કે કચ્છ તો તબાહ થઇ ગયુ છે અને કચ્છના ભચાઉ પાસે ૨૬ કી.મી. ઉંડેથી ઉદગમ થયેલો આ ભુકંપ હાલારને તીવ્ર અસર કરી ગયો અને આ બધુ સમજાય ત્યાં તો ફરી આફટર શોક શરૂ થયા હતા. આ ભુકંપમાં જામનગર તાલુકો, જોડીયા અને ધ્રોલ તાલુકો અને આમરણ ચોવીસી વધુ ગ્રસ્ત થયા હતા.રસ્તા ઉપર તુટેલી કે ધસી ગયેલિ ઇમારતોના કાટમાળ, પડી ગયેલા વૃક્ષો ક્યાંક રોડની તિરાડો ક્યાંક બેસી ગયેલા રોડ ક્યાંક રોડ વચ્ચે સર્જાયેલી મોટી જગ્યાઓ જાણે રોડના બે ભાગ થય ગયેલા, ત્યાં ભુરાયા પશુઓની દોડધામ અને બાદમાં પંખીઓના ભય સાથેના કલબલાટ વચ્ચે જનઆક્રંદ આ બધુ મીનીથયોમાં થય ગયુ હતુ. પરંતુ સંપર્ક અને મુસાફરી જલદી થઇ ન શકે એવો માહોલ થયો હતો.
દરમ્યાન આવી સ્થિતિ વચ્ચે પણ એક જ કલાકમાં સેવાભાવી લોકો સંસ્થાઓ હાલારના ભુકંપગ્રસ્ત વિસ્તારમાં જેમ તેમ પહોંચવા લાગ્યા હતા અને તે વખતે સંઘ, સ્વાધ્યાય પરીવાર, યુગ શક્તિ ગાયત્રી પરીવાર, સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને હરિભક્તો વગેરે સહિત માનવતાનો સાગર ઘુઘવવા લાગ્યો હતો અને જામનગરની ઇરવીન ગ્રુપ ઓફ હોસ્પીટલમાં ઇજાગ્રસ્તો આવવા મંડ્યા હતા. જ્યા ગુજરાત સરકારના મીનીસ્ટરો કાસુંદ્રા અને કોરાટ એ ખાસ કેમ્પ કરી વ્યવસ્થા સંભાળી હતી તેમજ સમગ્ર પણે વહીવટી તંત્ર, પંચાયત તંત્ર, પોલીસ તંત્રને માર્ગદર્શન અને સપોર્ટ પુરા પાડ્યા હતા.
એક બાજુ ફરીથી સેટ થવામાં તંત્ર લાગ્યુ હતુ પરંતુ ઘરની દિવાલોમાં ઘરેરાટી અને ધ્રુજારી શમતી નહતી અને આફટર શોક પણ આવતા હતા. જેથી રાત્રે પણ લોકો સુઇ શકતા ન હતા અને મોટાભાગે ઘણા દિવસ સુધી લોકો શેરીઓમાં સુતા હતા...!
જામનગર શહેર અને જીલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ત્રીસ, ચાલીસ કે સાંઇઠ સેકન્ડ કંપારી અનુભવાઇ હતી તેમજ બાદમાં ખબર પડી હતીકે ભૂતળમાં પાણી સ્રોત સહિત ભૌગૌલીક પરીવર્તનો થઇજ રહ્યા હતા. પરંતુ દુઃખદ રીતે જોઇએ તો રાજ્ય સરકારના એક અહેવાલ અનુસાર લગભગ લોકોએ જામનગર જિલ્લામાં ૧૧૯ મૃત્યુ થયા હતા અને હજારો ઈજાગ્રસ્ત થયા હતાં. હજારો મકાનો ભાગ પડી ગયા અથવા ભારે નુકસાન થયુ અને અનેક લોકોની ઘરવખરીઓને પણ ખૂબ જ નુકસાન થયુ હતુ. ખાસ કરીને તે વખતે લોકોની લાચાર મનોસ્થિતિથી માનસીક તંદુરસ્તીઓને ખૂબ જ વરવી અસર થઇ હતી અને મનોસ્વાસ્થ્ય મેળવા ખાસ્સો સમય લાગ્યો હતો કેમકે મુખ્ય ભુકંપ બાદ આફટર શોક અને જમીનની ઘરેરાટીએ લોકોના સુખચેન ઝુંટવી લીધા હતા. પ્રકૃતિગત આ પ્રકોપ સામે વામનબા લાગતા મનુષ્યોએ એ કટોકટીભરી સ્થિતિમાં પણ ધીમે ધીમે સ્થિરતા મેળવી હતી. પરંતુ એ યાદોના ભુકંપ હજુ લોકોને ધ્રુજાવે છે.



0 Comments
Post a Comment