જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર તાલુકાના તમાચણ ગામમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા રાકેશ પરષોત્તમભાઈ બોરીયા નામના 35 વર્ષના વેપારીએ પોતાના ઉપર અને પોતાની વૃદ્ધ માતા ભાનુબેન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે બાજુમાં જ દુકાન ધરાવતા મશરૂ લધુબાઈ ચાવડીયા, વિશાલ મશરૂભાઈ ચાવડીયા અને રવિ મશરૂભાઇ ચાવડીયા નામના ત્રણ પિતા-પુત્રો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન આસપાસના વિસ્તારમાં કામ કરતા શ્રમિકોને ચા પાણી પીવડાવવા માટે જતો હતો, જે આરોપી દુકાનદાર મશરૂ ચાવડીયાને પસંદ ન હોવાથી તકરાર કરી હતી, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. પંચકોશી એ ડિવિઝનના એએસઆઈ ડી.એ. રાઠોડ તપાસ ચલાવે છે. 


દરેડમાં નિંદ્રાધિન અવસ્થામાં શ્રમિક યુવાનને ટ્રક ચાલકે કચડી નાખતા મૃત્યુ 

મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ દરેડ વિસ્તારમાં મજૂરી કામ કરતો કલ્યાણસિંહ જાટવ નામનો 35 વર્ષનો પરપ્રાંતીય શ્રમિક યુવાન રવિવારે દરેડ જીઆઈડીસી ગૌશાળા સર્કલ પાસે એક સાઈડમાં સુતેલ હતો, તે દરમિયાન પુરપાટ ઝડપે આવેલા જીજે 25 યુ 9705 નંબરના ટ્રક ચાલકે તેને નિંદ્રાધીન અવસ્થામાં જ કચડી નાખ્યો હતો, અને ગંભીર ઈજા પહોંચાડી હતી. જેથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યો હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતક કલ્યાણસિંહની પત્ની દુર્ગાદેવી જાટવે પોલીસને જાણ કરતા પંચકોશી બી ડિવિઝનના પીએસઆઈ એચ.ટી. મઠીયા ઘટના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. 


જોડિયાના લખતર નજીક રોડ ક્રોસ કરતા આદિવાસી યુવાનનું કારની ઠોકરે મોત

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામે રહી ખેત મજૂરી કરતો મૂળ દાહોદ જિલ્લાનો વતની સંજયભાઈ અમરસિંહભાઈ ભુરીયા નામનો 18 વર્ષીય આદિવાસી યુવાન ભાગમાં રાખેલી વાડીએથી કુદરતી હાજતે જતો હતો. ગત તા. 24 ના રોજ યુવાન નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પાસે રોડ ઓળંગી રહ્યો હતો. ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હતો. ધ્રોલ તરફથી આવતી બેકાબૂ અર્ટિગા કારે યુવાનને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. કારની હડફેટે યુવાન રોડ પર ઢળી પડ્યા બાદ તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાનના પિતાએ અમરસિંહભાઇ કાળુભાઇ ભુરીયા (ઉ.વ. 54)એ અર્ટીગા ફોરવ્હીલ ગાડીના રજી.નં. જીજે 32 કે 4488ના કાર ચાલક સામે જોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.  


નાઘુના ગામે યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત 

જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતા ઋષિરાજસિંહ રણજીતસિંહ કેશુર નામના 26 વર્ષના યુવાને રવિવારે બપોરના એકથી બે વાગ્યાના આસપાસ પોતાના ઘરે ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવાને પંખા ના હુકમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધાનું પરિવારજનોને જાણ થતા તાત્કાલિક 108 નો સંપર્ક કરવામાં આવ્યો હતો. આથી એમ્બ્યુલન્સ સાથે દોડી જઈ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ હરપાલસિંહ રણજીતસિંહ કેશુરે પોલીસને જાણ કરતાં પંચકોશી બી ડિવિઝનના પોલીસ સ્ટાફે જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.


જામનગરમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત 

જામનગરમાં હિમાલય સોસાયટીમાં રહેતા બ્રિજરાજસિંહ દશરથસિંહ વાળા નામના 25 વર્ષના રાજપૂત યુવાને રવિવારે પોતાના ઘરે પંખાના હુકમ સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ અંગે મૃતકના પિતા દશરથસિંહ સતુભા વાળાએ પોલીસને જાણ કરતા સીટી સી ડિવિઝનના પીઆઈ એન.એમ. ઝાલાએ બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. 


કાલાવડના મુળીલા ગામે વાડીના કુવામાં પડી જતા યુવાનનું મૃત્યુ 

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં વ્હોરાવાડ વિસ્તારમાં રહેતો મુર્તુઝાભાઈ યુસુફભાઈ હિરાણી નામના 48 વર્ષના વ્હોરા જ્ઞાતિના યુવાન રવિવારે મુળીલા ગામ પાસે આવેલી ગોવિંદભાઈ ગોવાભાઈ નામના ખેડૂતની વાડીના કુવામાં પડી જતા ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે ફકરૂદીનભાઈ અબ્બાસભાઈ હિરાણીએ પોલીસને જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 


સિક્કામાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયા 

જામનગર તાલુકાના સિક્કામાં જકાતનાકા પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બાવળની ઝાડમાં જાહેરમાં ગંજીપાના વડે રવિવારે બપોરે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિક્કા પોલીસે જાવીદ ગની સોઢા, હસું સાલેમામદ ભાયા અને આમીન આમદ સુંભણીયા નામના ત્રણ શખ્સને રૂ. 550ની રોકડ સાથે ઝડપી લીધા હતા. 


શહેર-જિલ્લામાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો: બે ફરાર   

જામનગર શહેરમાં રામેશ્વરનગર વિસ્તારમાં કે.પી.શાહની વાડી તરફ જવાના રસ્તા પર રવિવારે સાંજે જીજે 13 એએચ 3857 નંબરની કારમાં દારૂ લઈને એક શખ્સ નીકળવાનો હોય તેવી બાતમી સીટી બી ડિવિઝન પોલીસને મળતા પોલીસે કારને રોકાવી તલાસી લેતા તેમાંથી 40 નંગ દારૂની બોટલ તથા એક કાર સહીત રૂ. 3,00,000નો મુદામાલ કબ્જે કરી આરોપી જીતેન્દ્રસિંહ કલુભા જાડેજા નામનો શખ્સ નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે. જયારે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ દેડકદડ ગામમાં છત્રપાલસિંહ હરદેવસિંહ જાડેજાએ પોતાના કૌટુંબિક ભાઈના મંડપ સર્વિસના ગોડાઉનમાં ઈંગ્લીશ દારૂની એક બોટલ રાખી હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે મુદામાલ કબ્જે કરી આરોપી હાજર મળી ના આવતા તેની શોધખોળ હાથ ધરી છે.