જામનગર મોર્નિંગ – ભાણવડ તા.૨૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાંથી વન્યજીવ સંરક્ષણ કાયદાના ઉલ્લંઘનનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના એક જાણીતા વેપારીના પુત્રને તેના કારખાનાની પાછળના વાડામાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ૧૨ પ્રતિબંધિત સૂર્ય કાચબા સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ઝડપી પાડ્યો છે. આ કાચબાનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે કરવામાં આવતો હોવાની અને લાખો રૂપિયામાં વેચાણ થતું હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે.

મળતી વિગત મુજબ, ભાણવડમાં વિજય રેફ્રીજરેશનના વેપારી પુત્ર અર્જુન વિજયભાઈ ભગાણી પોતાના કારખાનાની બાજુમાં આવેલા વાડામાં વન અધિનિયમની અનુસૂચી ૧ મુજબ પ્રતિબંધિત ગણાતા સૂર્ય કાચબા છુપાવીને રાખતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પી.આઈ. કે.કે. ગોહિલ અને તેમની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારખાનાના પાછળના ભાગે બનાવાયેલા વાડામાંથી કુલ ૧૨ સૂર્ય કાચબા મળી આવ્યા હતા.

પોલીસ દ્વારા જ્યારે આરોપી અર્જુન ભગાણી પાસે આ કાચબા રાખવા કે પાળવા અંગેની મંજૂરી માંગવામાં આવી, ત્યારે તેની પાસે કોઈ પણ પ્રકારના કાયદેસરના આધાર પુરાવા નહોતા. સૂર્ય કાચબા વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ અત્યંત સુરક્ષિત શ્રેણીમાં આવે છે અને તેને પાળવા કે રાખવા એ ગંભીર ગુનો છે. આથી, પોલીસે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ સાથે સંયુક્ત રીતે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

આ ઘટના બાદ સ્થાનિક પંથકમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ કાચબાનો ઉપયોગ 'રાતોરાત ધનવાન' બનવા માટે કરવામાં આવતી તાંત્રિક વિધિઓમાં થતો હતો. લોકમુખે થતી ચર્ચાઓ મુજબ, તાંત્રિક વિધિ માટે એક કાચબો ૫ થી ૭ લાખ રૂપિયામાં વેચવામાં આવતો હતો. આરોપી વેપારી પુત્ર આ કાચબાનું વેચાણ કરતો હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે.

પોલીસ અને વન વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે આ કાચબા ક્યાંથી લાવવામાં આવ્યા હતા? શું આ કોઈ મોટા વન્યજીવ તસ્કરી રેકેટનો ભાગ છે? આરોપીએ અત્યાર સુધી કેટલા કાચબાનું વેચાણ કર્યું છે ? આ પ્રવૃત્તિમાં અન્ય કયા લોકો સામેલ છે ?, હાલમાં પોલીસે આરોપીની અટકાયત કરી છે અને વન વિભાગ દ્વારા કાચબાને સુરક્ષિત સ્થાને ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે.