જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરની એસઓજી શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર તાલુકાના સચાણા ગામમાં એક મકાન ભાડે રાખીને પરપ્રાંતિય શખ્સ પોતે ડોક્ટર નથી તેમ છતાં તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે બાતમી ના આધારે શનિવારે સચાણા ગામમાં દરોડો પડ્યો હતો. જે દરોડા દરમિયાન મૂળ પશ્ચિમ બંગાળનો વતની ઈસ્માઈલ અલામરાહી તૈયબ શેખ કે જે પોતે કોઈપણ પ્રકારની ડીગ્રી ધરાવતો ન હોવા છતાં દર્દીઓને તપાસીને તેઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરાતાં પોતાની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવાનું કબૂલ્યું હતું. તેથી પોલીસે તેની અટકાયત કરી લઇ તેની સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલમાંથી જુગાર રમતા ચાર ઝડપાયા
ધ્રોલ પોલીસ સ્ટેશનની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધ્રોલમાં જોડિયા નાકા પાસેથી શનિવારે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ફારૂક નુરમામદભાઈ મોલીયા, કાદર આમદભાઈ દલ, હુસેન મામદભાઈ શાહમદાર અને રાજેશ સમસુદ્દીન પોપટીયા વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૪,૭૫૦ની રોકડ રકમ તેમજ જુગારની સામગ્રી કબજે કરી છે.
શહેર-જિલ્લામાંથી દારૂની 23 બોટલ સાથે એક ઝડપાયો: એક ફરાર
જામનગર નજીક આલિયાબાડા ગામમાં આંબેડકરવાસ વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો રવિ હરિભાઈ પરમાર નામનો શખ્સ પોતાના બાઈકમાં ઇંગ્લિશ દારૂ સાથે નીકળ્યો હતો, જેને આંબેડકરવાસ વિસ્તારમાંથી શનિવારે પોલીસે અટકાયતમાં લીધો હતો. તેની પાસેથી 11 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને એક મોટરસાયકલ સહિત રૂપિયા 61,100ની માલમતા કબજે કરી લઇ તેની સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે. જયારે સીટી સી ડિવિઝન પોલીસે રવિવારે બપોરે વુલનમીલ ફાટક પાસે બારીવાસમાં રહેતા દીપુ કમલભાઈ વઢીયારના રહેણાંક ઝૂંપડામાં બાતમીના આધારે દરોડો કરી ઈંગ્લીશ દારૂની 12 નંગ બોટલ ઝડપી લઈ આરોપી દીપુ હાજર મળી ન આવતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી.


0 Comments
Post a Comment