જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા એક વિપ્ર યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે, જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. જયારે જામનગર તાલુકાના ઢંઢા ગામમાં રહેતા એક ખેડૂતની 19 વર્ષીય પુત્રીએ પોતાના ઘેર જંતુનાશક દવા પી લઇ આત્મહત્યા કરી છે. પોતાની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
મળતી વિગત મુજબ જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા રાજનભાઈ મનસુખભાઈ જોશી નામના 30 વર્ષના વિપ્ર યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર રસોડામાં પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી, અને તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા મનસુખભાઈ રણછોડભાઈ જોશીએ પોલીસને જાણ કરતાં સીટી સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વિપ્ર યુવાનના મૃતદેહનો કબજો સંભાળી તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે તપાસ શરૂ કરી છે, અને પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે.
જયારે જામનગર નજીક ઢંઢા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા નીરૂભા અણદુભા સોઢા નામના 55 વર્ષીય ખેડૂતની 19 વર્ષની પુત્રી જાનવીબા નિરુભા સોઢાએ ગત 17મી તારીખે પોતાના ઘેર ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી જતાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા નીરુભા સોઢાએ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો અને જાનવીબાના મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવતિને તેણીની માતાએ ઘર કામ કરવા બાબતે ઠપકો આપતાં માઠું લાગી આવ્યું હોવાથી આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું છે.

0 Comments
Post a Comment