ગણપતિ વિસર્જનના 93 દિવસ બાદ પણ મૂર્તિઓ સાબરમતીના કિનારે પડી છે,આસ્થા કે મનોરંજન?

દર વર્ષે ધામધૂમથી ગણેશોત્સવ મનાવવામા આવે છે. આ વર્ષે ગણેશ વિસર્જન કર્યાને 93 દિવસ વિતી ગયા હોવા છતાં પણ ગણપતિની મૂર્તિઓ સાબરમતીના કોટેશ્વર કિનારા પાસે વિસર્જન થયા વગર પડી છે. આ મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી હોવાથી પાણીમાં ઓગળતી ન હોવાના કારણે પડી છે.
10 દિવસ ધામધૂમથી ગણતપતિની આરાધના કર્યા બાદ તેમની મૂર્તિને નદીમાં જેમતેમ પધરાવી દેવામાં આવતી હોય છે. બાદમાં આ મૂર્તિના શું હાલ થાય છે તેની કોઈ પણ પ્રકારની દરકાર કરવામાં આવતી નથી. નદી-તળાવોમાં પ્લાસ્ટર ઓફ પેરિસથી બનાવવામાં આવેલી મૂર્તિઓના વિસર્જન કરવા પર પ્રતિબંધ છે તેમ છતાં પણ લોકો આવી મૂર્તિઓ નદી-તળાવમાં પધરાવતા હોય છે.
ગણેશ વિસર્જન કર્યા બાદ મૂર્તિઓ પાણીમાં ન પીગળવાના કારણે મોટો ઢગલો થઈ જાય છે. ત્યારે આ વર્ષે પણ આવી જ રીતે થયેલા ઢગલામાંથી મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા જેસીબીથી મૂર્તિઓ તોડી ડમ્પરમાં ભરી અને ડમ્પ સાઈટ પર ઠાલવવામાં આવી હતી.
આ સિવાય કેટલાક લોકો જે મૂર્તિઓ બનાવવાનુ કામ કરે છે તેઓ આ મૂર્તિઓ લઈ જાય છે અને તેને નવા રંગો લગાવી તથા રિપેરિંગનુ કામ કરી બીજા વર્ષે એ જ મૂર્તિઓ વેચે છે. આ રીતે ભગવાન ગણપતિની 10 દિવસ આરાધના કરી તેમની મૂર્તિના વિસર્જન કર્યા બાદ તેમના શું હાલ થાય છે.
તેથી સીધા સવાલ ઉભા થાય છે કે લોકો ફક્ત 10 દિવસ તેમના મનોરંજન માટે આ ગણપતિની આરાધના કરે છે કે શું? કેમ કે તેમના વિસર્જન બાદ એ મૂર્તિનુ શું થાય છે તેની ચિંતા કોઈ કરતુ નથી.