• જામ્યુકોની ક્વિક રિસ્પોન્સ સેલની ટીમ દ્વારા ૪૦ દિવસ ના સમયગાળા દરમિયાન ૧૪.૭૩ લાખના દંડની વસૂલાત

 જામનગર ૨, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં માસ્ક પહેર્યા વિના નીકળનારા તેમજ સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારા લોકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ૪૦ દિવસ ના સમયગાળા દરમિયાન કુલ ૩,૬૫૦ વ્યક્તિ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે અને ૧૪ લાખ ૭૩ હજાર નો દંડ વસુલ કરવામા આવ્યો છે.

 જામનગર મહાનગરપાલિકા ની જુદી-જુદી છ ટીમો દ્વારા સિક્યુરિટી વિભાગ તેમજ પોલીસ તંત્ર ને સાથે રાખીને જાહેરમાં માસ્ક પહેર્યા વિના નિકળનારા લોકો સામે દંડકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ૪૦ દિવસ ના સમયગાળા દરમિયાન ૬૨૧ લોકો માસ્ક પહેર્યા વિના નીકળ્યા હોવાથી તેઓ પાસેથી રૂપિયા ૬,૩૯,૫૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

 આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનારા કુલ ૩,૦૨૯ લોકો સામે પણ દંડકીય પ્રક્રિયા હાથ ધરાઇ છે. અને તેઓ પાસેથી ૮,૩૪,૦૪૦ રૂપિયા નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

 ૪૦ દિવસ ના સમયગાળા દરમિયાન કુલ ૩,૬૫૦ કેસ કરાયા છે, અને ૧૪,૭૩,૫૪૦ ની વસૂલાત કરાઈ છે. જ્યારે જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરીને ખુલ્લી રાખવામાં આવેલી એક દુકાન ને સીલ કરવામાં આવી છે.