સાંઇઠ વર્ષના બુઝુર્ગનું મૃત્યુ : કારની અંદર બેઠેલી અન્ય ચાર વ્યક્તિઓને નાની-મોટી ઇજા : મોરબી પંથકમાંથી પરિવાર લૌકિક ક્રિયા મટે જામનગર આવતો હતો 

જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર રામપર ગામના પાટીયા પાસે શુક્રવારે સવારે એક કારનું ટાયર ફાટ્યું હતું જેથી કાર પલ્ટી ખાઈ જતા ગોઝારો અકસ્માત
સર્જાયો હતો જે કારમાં બેઠેલા મોરબીના છત્તર ગામના એક બુઝુર્ગનું ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ નીપજ્યું હતું જયારે અન્ય ચાર વ્યક્તિને નાની-મોટી ઇજા થઇ છે. છતર ગામથી એક પરિવાર જામનગર નજીક વલ્લભપુર ગામે લૌકિક ક્રિયા માટે આવતા હતા જે દરમ્યાન આ ગોઝારો અકસ્માત નડ્યો હતો.
મળતી વિગત મુજબ મોરબી તાલુકાના છત્તર ગામના વીરજીભાઈ નાથાભાઈ રંગાણી (ઉ.વ.60), વલ્લભભાઈ નાથાભાઈ રંગાણી(ઉ.વ.42), વસંતભાઈ ગાંડુભાઇ વૈષ્ણવ, રમાબેન વીરજીભાઈ રંગાણી અને રંજનબેન અશોકભાઈ વગેરે પાંચ વ્યક્તિ શુક્રવારે સવારે મોરબી તરફથી જામનગર તાલુકાના વલ્લભપુર ગામમાં લૌકિક ક્રિયા માટે જીજે 3 ડીજી 8595 નંબરની આઇટેન કારમાં બેસીને જામનગર તરફ આવતા હતા જેમાં વસંતભાઈ વૈષ્ણવ ગાડી ચલાવતા હતા.
ઉપરોક્ત કાર જામનગર-રાજકોટ હાઇવે રોડ પર રામપર ગામના પાટીયા પાસે પહોંચતા એકાએક કારનું ટાયર ફાટ્યું હતું અને કાર પલ્ટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં કારની અંદર બેઠેલા વીરજીભાઈ નાથાભાઈ રંગાણી નામના 60વર્ષના બુઝુર્ગને  ગંભીર ઇજા થઇ હોવાથી તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. જયારે કારની અંદર બેઠેલા બાકીના ચારેય વ્યક્તિને નાની-મોટી ઇજા થઇ હોવાથી હોસ્પિટલમાં સારવાર અપાઈ છે આ અકસ્માતના બનાવ અંગે પોલીસને જાણ થતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.