ત્રણને ઈજાઃ સામસામે નોંધાવાતી પોલીસ ફરિયાદઃ
જામનગર મોર્નિંગ, 6/1 દ્વારકા : કલ્યાણપુરના લીમડી ગામે છોટા હાથી રીપેર કરાવવાના અને વેલ્ડીંગ કરાવવાના પ્રશ્ને મન-દુઃખ થતાં બે પક્ષ વચ્ચે ડખ્ખો થયો હતો, જેમાં ત્રણ યુવાનોને નાની-મોટી ઇજા પહોંચતા આ બનાવ અંગે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ કલ્યાણપુરના લીમડી ગામે રહેતા અરજન કેશુર ચાવડા (ઉ.વ. 32) નામના યુવાનને ભનુ જાદવ, હેભા સાતમ, કાના હેભા નામના ત્રણેય શખ્સે લાકડી અને તલવાર સહિતના હથિયારો સાથે ગેરેજ પાસે ઘસી જઇ છોટા હાથી રીપેર કરાવવા બાબતનું મન-દુઃખ રાખી માથામાં તથા આડેધડ મુંઢ મારકૂટ કરી ઇજા પહોંચાડતા ત્રણેય સામે અરજનભાઇ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે હેભાભાઇ સામતભાઇ કંડોરીયાએ અરજન કેશુર ચાવડા અને રીતા કેશુર ચાવડા નામના બંને શખ્સ સામે પોતાના વાહનમાં વેલ્ડીંગમાં બોલાચાલી કરી હેભાભાઇના દિકરાને ગાળો કાઢી ધમકી આપી પતરાના કટકાથી અને લાકડાના ધોકા વડે મારકૂટ કરી ઇજા પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવાઇ છે, કલ્યાણપુર પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.