PM મોદીએ કહ્યું હતું કે બદલો લેવાનો સમય, સ્થળ અને પ્રકાર સેના નક્કી કરશે
જામનગર મોર્નિંગ નવી દિલ્હી
 
પુલવામામાં થયેલા આતંકી હુમલા ના 12 દિવસ પછી ઇન્ડિયન એરફોર્સના યુદ્ધ વિમાનોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદનાં થાણા પર મંગળવારે વહેલી સવારે હુમલો કર્યો હતો. 
 ભારતીય વાયુસેનાના મિરાજ 2000 યુદ્ધવિમાનમાંથી જૈશના ઠેકાણાઓ પર બોમ્બ વરસાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકી ઠેકાણાઓ પર 1000 કિલોના બોમ્બ વરસાવવામાં આવ્યા હતા. ભારતના આ હુમલામાં 200થી વધારે આતંકીઓ માર્યા ગયાના સમાચાર છે. સૂત્રોના કહેવા પ્રમાણે 26 ફેબ્રુઆરીની વહેલી સવારે  3.30 કલાકે મિરાઝ 2000 લડાકૂ વિમાનોએ આતંકીઓનાં મોટા ઠેકાણા પર હુમલો કર્યો અને તેમને નષ્ટ કરી નાખ્યા હતા.
 

પાકિસ્તાની સેનાનાં પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કર્યું કે, 'ભારતીય વાયુસેનાનાં વિમાનો નિયંત્રણ રેખાને પાર કરીને મુઝફ્ફરાબાદ સેક્ટરમાં ઘુસી આવ્યાં હતાં. પાકિસ્તાન વાયુ સેનાએ તરત કાર્યવાહી કરી અને ભારતીય વિમાન પાછા જતાં રહ્યાં.' જમ્મુ કાશ્મીરના પૂલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારત તરફથી કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા ઘણા દિવસથી રાખવામાં આવી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે બદલો લેવામાં આવશે, પરંતુ તેનો ટાઇમ અને સ્થળ અને પ્રકાર સેના નક્કી કરશે.