જામનગર મોર્નિંગ - જામનગર 
મોટી ખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાં 2016ની સાલથી સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવનાર અને ડુપ્લીકેટ મેજર બનનાર હરિયાણાના શખ્સને એસ.ઓ.જી. ની ટીમે ઝડપી લીધો હતો અને લાલપુરની અદાલત સમક્ષ રજૂ કરી ત્રણ દિવસની રિમાન્ડ પર લીધો છે. મેજરની વરદીના આધારે તેણે સોશ્યલ મીડિયાની માધ્યમથી ચારેક જેટલી યુવતીઓને લગ્નની લાલચમાં ફસાવ્યાની પણ કબુલાત આપી છે. પોલીસે તેનો મોબાઈલ કબ્જે કરી લઇ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. 
મુળ હરિયાણા રાજ્યના વિસારના વતની અને મોટી ખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાં સિક્યોરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા વિકાસ વિજય સાંગવાન ઉ.વ. 27 ને ડુપ્લીકેટ મેજર તરીકે ઝડપી લીધો હતો. મેઘપર પોલીસ મથકમાં તેની સામે મેજરની વરદીનો દુરુઉપયોગ કરવા ગઈ ગુન્હો નોંધી ધરપકડ કરી લીધા પછી એસ.ઓ.જી. શાખા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી હતી જેને લાલપુરની અદાલતમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાયો હતો. ત્યાં અદાલતે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. આરોપી શખ્સે મેજરની વરદી ધારણ કરી તેના ફોટોગ્રાફ્સ પાડી સોશ્યલ મીડિયામાં વાયરલ કરીને કેટલીક યુવતીઓ સાથે લગ્નની લાલચે ચેટીંગ કરતો હોવાનું પણ કબુલ્યું છે, પોલીસે તેનો મોબાઈલ ફોન કબ્જે કરી લીધો છે અને તેમાંથી ડેટા મેળવી લઇ તપાસનો દોર આગળ ધપાવ્યો છે. 
આરોપીએ અમદાવદની જ એક યુવતીની લગ્નની લાલચ આપી તેને ફસાવવાનો પ્લાન ઘડ્યો હતો જે યુવતીના પિતા આર્મીમાં મેજર તરીકે  ફરજ બજાવે છે જેને આ મામલે શંકા જતા આર્મી વિભાગમાં તપાસ કરાવી હતી પરંતુ આવો કોઈ મેજર નહીં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું આથી તેને ભુજની આર્મીને આર્મીને જાણ કરી હતી અને ભુજથી આર્મીની ટીમ જામનગર આવીને મોટી ખાવડી સ્થિત કંપનીમાં તપાસ કરાવતા ઉપરોક્ત શખ્સ મળી આવ્યો હતો જેના આધારે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને આખરે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યા પછી પોલીસ દ્વારા ઉંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે.