ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલે ઉપસ્થિત રહી વિશાળ જનમેદનીને સંબોધી
વર્તમાન સરકારની ખેડૂતો પ્રત્યેની નીતિ-રીતી સામે હાર્દિક પટેલના આકરા શાબ્દિક પ્રહારોઃ ધારાસભ્ય વિક્રમભાઇ માડમે પણ શબ્દો દ્વારા સરકારનો ઉધડો લીધોઃ વિશાળ સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો ઉમટી પડ્યાઃ મહાકાય કંપનીઓને લાણી અને ખેડૂતો પ્રત્યે સરકાર તદ્દન નિષ્ક્રીય હોવાની વાત કરીઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સભા સંપન્નઃ હાર્દિક પટેલની સમય કરતાં બે કલાક મોડી હાજરી
જામનગર મોર્નિંગ - જામનગર. જામનગરના ઠેબા બાયપાસ ચોકડી નજીક આવેલ સરકારી ગંજીવાડાની બાજુમાં ગઇકાલે સાંજે પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રણેતા હાર્દિક પટેલનું ખેડૂત અધિકાર સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલે વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા શાબ્દીક ટીક્કા-પ્રહારો કર્યા હતા અને તેણે હાલની પરિસ્થિતિમાં ખેડૂતની દયનીય હાલત અંગે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું.
મળતી વિગત મુજબ જામનગરના ઠેબા બાયપાસ ચોકડી નજીક ગઇકાલે હાર્દિક પટેલની યોજાયેલી આ સભામાં તેણે ચાલુ વર્ષે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં નહીંવત વરસાદ પડતાં મોટા ભાગની જમીનમાં વાવેતરો કરતાં ખેડૂતો આર્થિક બોજા હેઠળ દબાયેલા હોય અને કેટલીક જગ્યાએ આર્થિક તંગીના કારણે ખેડૂતોએ આત્મહત્યા-આપઘાત કરી લીધાના બનાવો સામે આવતાં તેણે ગુજરાત રાજ્યની ભાજપ સરકારને ખાસ કરીને નિશાન બનાવી મોટા ઉદ્યોગપતિઓને કંપનીઓ સ્થાપવા માટે અનેક પ્રકારની લાણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, જ્યારે ખેડૂતોને હજી સુધી પાક વિમાની રકમના કોઇ ઠેકાણા ન હોય તેમજ અમુક તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરેલ ન હોય ખેડૂતોની હાલત ખૂબજ ખરાબ હોય તેમજ જે ખેડૂતે વાવેતર કરેલ છે, જેવા કે લસણ, ડુંગળી, કપાસ, મગફળી, એરંડા સહિતના પાકનો યાર્ડમાં નહિંવત ભાવ મળતાં સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના પાકનો યોગ્ય ભાવ અને વિમો તાકીદે મળે તેવી સરકારી વ્યવસ્થા ગોઠવવી જોઇએ.
ઉપરાંત તેણે જણાવેલ હતું કે, જામનગર નજીક આવેલ મહાકાય કંપનીઓ સામે કોઇ અવાજ નહીં ઉઠાવતાં ખેતીની જમીનમાં પ્રદુષણ ફેલાતાં જમીનની હાલતો નબળી થઇ ગઇ હોય, બીજી તરફ જે કોઇ પ્રતિનિધિઓ કે સરકારી તંત્ર અવાજ ઉઠાવે છે પણ પૈસાના જોરે પોતાનું કરી અને વ્યવસ્થિત બેસી જાય છે, આથી પોતાએ આવી પ્રદુષણ ફેલાવતી મહાકાય કંપનીઓ સામે અવાજ બુલંદ કરવાની હાકલ કરી હતી. હાર્દિક પટેલની સાથે સાથે ઉપસ્થિત જનમેદનીને ધારાસભ્ય વિક્રમભાઇ માડમે પણ સંબોધીત કરી હતી, તેઓએ પણ વર્તમાન સરકારનો ઉધડો લીધો હતો અને સરકારની ખેડૂતો પ્રત્યેની નીતિ-રીતિ સામે સંપુર્ણ આક્રોશ વ્યક્ત કર્યો હતો, હજારોની મેદનીને સંબોધતા તેને જણાવેલ કે, રાજ્યમાં ખેડૂતો પોતાની મરણ મુડી વાપરી ખેતીમાં રુપીયા નાંખે છે, પરંતુ પાક તૈયાર થઇ જતાં સરકાર દ્વારા ટેકાના ભાવ આપવાના બદલે મશ્કરી સમાન ભાવો આપી ખેડૂતોને પડ્યા પર પાટુ મારી રહી છે, ત્યારે રાજ્ય અને કેન્દ્રની સરકાર સામે તેઓએ પણ પોતાની આગવી શૈલીમાં વિરોધ વ્યક્ત કરી જામનગર સહિતના રાજ્યના અનેક તાલુકાઓ સરકારે અછતગ્રસ્ત જાહેર કરવાના બાકી હોય તે પ્રત્યે ધ્યાન આપવાની અને ખેડૂતની લાગણી સમજવાની કોશિષ કરવી જોઇએ.
જો કે, આ સમગ્ર સભા શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થઇ હતી, બીજી તરફ હજારોની મેદનીમાં ખેડૂતો આ સભામાં જોડાયા હોય રોડની બંને સાઇડ વાહનના થપ્પે-થપ્પા લાગી ગયા હતા, ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલના આ સંમેલનનો સમય બપોરના બે વાગ્યાનો હોય પરંતુ તે સાંજે 4-00 વાગ્યા બાદ ઉપસ્થિત રહેલ હોય બાદમાં સમગ્ર સભાને સંબોધિત કરી હતી અને એકાદ કલાકના સમય બાદ આ સભા પૂર્ણ થવા પામી હતી. ઉપસ્થિત જનમેદનીને હાર્દિક પટેલની ગજવતી આ સભામાં ટેકો આપ્યો હતો, આ સંમેલનમાં ઠેબા, હાપા, સુવરડા, વિજરખી, ખીમલીયા, મોરકંડા, ધુંવાવ, ખીમરાણા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઇઓ-બહેનો ઉમટી પડ્યા હતા. હાર્દિક પટેલના આ સંમેલન સાથે સાથે પોલીસ દ્વારા વિક્ષેપ ન સર્જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, આ સભાની ફરતે ભવ્ય સ્ટેજ તેમજ મંડપ ઉભા કરવામાં આવ્યા હતા અને ઠેર-ઠેર જય જવાન - જય કિશાનના નારા લગાવવામાં આવ્યા હતા.
આ ખેડૂત અધિકાર મહા સંમેલનમાં હાર્દિક પટેલની સાથે સાથે ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા, ગ્રામ્ય ધારાસભ્ય વલ્લભભાઇ ધાવરીયા અને કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયા, રાજકોટના કોંગી અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરુ, દિલ્હીથી સ્વામી ચક્રપાણી મહારાજ, અખીલ ભારતીય પંચાયત પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી જયંતિભાઇ સભાયા, વિપક્ષી નેતા અલ્તાફભાઇ ખફી, કોંગીના દિગુભા જાડેજા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઇ અમેથીયા તથા પૂર્વમંત્રી દિનેશભાઇ પરમાર સહિતના કોંગ્રેસના અગ્રણીઓ-કાર્યકર્તાઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે હાર્દિક પટેલ અને અખીલ ભારતીય સંઘ સભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજનું ઉપસ્થિત કોંગીના કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

હાર્દિક પટેલનું આમંત્રણઃ છતાં ભાજપ તરફથી કોઈ ફરક્યું નહીં...
આ ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓને પણ પોતાની સભામાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવ્યા હોય પરંતુ ભાજપ તરફથી કોઇપણ નેતા કે પ્રતિનિધિઓ કે કાર્યકર્તાઓએ હાજરી આપી ન હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.

ખરેખર..., ખેડૂત અધિકાર સંમેલન ખેડૂત પ્રેરિત કે રાજકીય પ્રેરિત....???
બીજી તરફ એવું જાણવા મળી રહ્યું છે કે, હાર્દિક પટેલ દ્વારા આ ખેડૂત અધિકાર સંમેલન ખરેખર ખેડૂતોના હિત પ્રત્યે અને ખેડૂતોના કપરા સમયમાં ખેડૂતોને તેઓના અધિકાર સાથે સાથે સાથ આપવાનું હતું...? કે પછી આ સંમેલન રાજકીય પ્રેરિત હતું...? તેવા અનેક સવાલો બુધ્ધિજીવીઓમાં ઉઠવા પામ્યા છે, જો કે, બે દિવસ પહેલાં જ હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી હોય તેવું તેના તેવર અને વાત દ્વારા જણાતું હતું, પરંતુ ક્યા પક્ષ તરફથી ચૂંટણી લડશે કે કેમ...? તે હજુ સુધી સ્પષ્ટ થવા પામ્યું નથી.