જામનગર મોર્નિંગ - જામનગર 
જમ્મુ-કાશ્મીરના પુલવામાં સ.આર.પી.એફ.ના કાફલા ઉપર થયેલા આતંકી હુમલાના કારણે 42 જેટલા ભારતીય જવાનો શહિદ થયા હતા જે તમામ શહીદોને શ્રધ્ધાજંલી અર્પવા માટે ઉપરાંત આતંકવાદીઓના કાયરતા ભર્યા કૃત્યને વખોડી કાઢવા અને બદલો લેવા મુહતોડ જવાબ આપવાના ભાગ રૂપે જામનગર શહેરની જુદી-જુદી સંસ્થાઓ દ્વારા પુતળા દહન કેન્ડલ માર્ચ, શોકાજંલી સભા સહિતના અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. 



મળતી વિગત મુજબ આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવવા માટે જઈ રહેલા દેશના સી.આર.પી.એફ.ના જવાનો પર આતંકી હુમલો કરાયો હતો અને જેમાં 42 જેટલા જવાનો શહિદ થયા હતા જયારે હજુ પણ કેટલાક જવાનોની હાલત ગંભીર ગણવામાં આવી રહી છે. આ બનાવને વખોડી કાઢવા માટે જામનગર વકીલ મંડળ દ્વારા આજે બપોરે વકીલ મંડળની ઓફિસમાં તાકીદની બેઠક બોલાવાઇ હતી અને મૌન પાડી શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી. તેમજ આતંકી હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો, શહેરના બેડી ગેઇટ વિસ્તારમાં શુક્રવારે બપોરે 4.30 વાગ્યે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગના કાર્યકરો દ્વારા આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને આતંકીઓ વિરુધ્ધ સુત્રોચ્ચાર કરાયા હતા. આ ઉપરાંત ચાઈલ્ડ ડેવલોપમેન્ટ દ્વારા ડી.કે.વી. પાસેથી કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી, જામનગર શહેરના માજી સૈનિક મંડળ દ્વારા પણ તમામ વીર શહિદ સૈનિકોને શ્રધ્ધાજંલી આપવામાં આવી હતી અને આતંકીઓ સામે લડવા માટે તેઓને ફરી તક આપે તો તેઓ શરહદે લડવા જવાની પણ તૈયારી દર્શાવી હતી.