જામનગર મોર્નિંગ - જામનગર 
ભારત દ્વારા મંગળવારે પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે એઇર એટેક કરી આતંકીઓના અડ્ડાઓનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો જે એઇર એટેકની કાર્યવાહી પછી સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે સાગર કિનારા વિસ્તારોના જિલ્લાઓ પોરબંદર, જામનગર વગેરેમાં પણ હાઇએલર્ટ ઘોષીત કરવામાં આવ્યું છે. જેના પગલે જામનગરની મરીન પોલીસે, એસ.ઓ.જી., કોસ્ટગાર્ડ સહિતની ટુકડીઓ દ્વારા મોટા પાયે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. 
પુલવાવામાં થયેલા આતંકી હુમલા પછી ભારત બદલો વાળવા માટે મંગળવારે એઇર એટેક કરી 300થી વધુ આતંકીઓનો ખાતમો બોલાવી દીધો છે. જે એઇર એટેકના પગલે ગુજરાતના સાગર કિનારાઓ પરના જિલ્લામાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. જામનગર જિલ્લાને હાઇએલર્ટ જારી કરી દેવાયા પછી જામનગરની એસ.ઓ.જી. શાખા, કોસ્ટગાર્ડ, મરીન પોલીસે સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ સાગર કિનારાઓ ઉપર પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને હથિયારધારી જવાનો ખડકી દેવામાં આવ્યા છે. જામનગર શહેરના એસ.ટી. ડેપો અને રેલવે સ્ટેશન પર આવનારા તમામ મુસાફરોના સામાન બારીકાઈથી ચેક કરવામાં આવી રહ્યા છે અને રેલવે પોલીસને પણ તહેનાત કરી દેવામાં આવી છે. જામનગર શહેરની તમામ ચેક પોસ્ટને સીલ કરી દઈ વાહનોનું કડક હાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જામનગર શહેરની તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ધર્મ શાળા, હાઇવે હોટલ, ધાબા, સીનેગ્રહો સહિત તમામ જાહેર સ્થળોએ પણ એલ.સી.બી. તથા જુદી જુદી પોલીસ ટુકડીઓ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. 

* જામનગર જિલ્લાની જનતાને સતર્ક રહેવા પોલીસ વડા શરદ સિંઘલની અપીલ 

પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં ભારતીય એરફોર્સે કરેલી એરસર્જીકલ સ્ટ્રાઇક પછી રાજ્યના અત્યંત સંવેદનશીલ જિલ્લામાં જેનો સમાવેશ થાય છે એવા હાલાર પંથકના દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે ત્યારે મંગળવારે જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે, હાલની પરિસ્થિતિમાં લોકોએ સાવધાન રહી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને લક્ષમાં લઇ તેની તાત્કાલિક પોલીસને જાણ કરવી, શહેરમાં કે કોઈ અવાવરૂ સ્થળે અજાણ્યા લોકોએ અજાણ્યું વાહન જોવા મળે તો તેનાથી પોલીસને વાકેફ કરવી. તદઉપરાંત ભીડ થતી હોય તેવી જગ્યાએ કોઈ બિનવારસુ ચીજવસ્તુ જોવા મળે તો તેને અડક્યા વગર સતર્કતા રાખી નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો, કોઈપણ બાબતની તાત્કાલિક જાણકારી આપવા માટે લોકો જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના નંબર 0288-2550200 અથવા સ્પે. ઓપરેશન ગ્રુપના ફોન 0288-2665704 સંપર્ક કરી શકશે.