આર્મ્સ એક્ટ હેઠળ ઝડપાયેલા શખ્સને હેરાન નહીં કરવાના અને મોટરસાઇકલ પરત આપવા અંગે રૂ. 7 લાખની માંગણી કરેલ: શહેરના પટેલ કોલોની વિસ્તારમાં એસીબીનું સફળ છટકુ: અન્ય કર્મચારીઓ કે અધિકારીની સંડોવણી છે કે કેમ..?: તપાસ નો ધમધમાટ    

જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લા એસઓજીમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારી રૂ. 1,25,000ની લાંચની રકમ સ્વીકારતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તાજેતરમાં આર્મ્સ એક્ટ હેઠળ ઝડપાયેલા શખ્સને હેરાન નહીં કરવાના અને મોટરસાઇકલ પરત આપવાના ગુન્હામાં આ રૂપિયાની માંગણી કરતા બંને લાંચીયા કર્મચારીઓ એસીબીની ઝપટે ચડી ગયા છે. તાજેતરમાં જ સીટી બી ડિવિઝન ખાતેથી બંને પોલીસ કર્મીની એસઓજીમાં બદલી થવા પામી હતી. લાંચના આ પ્રકરણે સમગ્ર જામનગર જિલ્લામાં ચકચાર સાથે ચર્ચા જગાવી છે. 
મળતી વિગત મુજબ તાજેતરમાં જામનગર શહેરમાંથી મોટરસાઈલ ચલાવી નીકળેલા એક શખ્સને પિસ્તોલ સાથે એસઓજીએ ઝડપી લીધો હતો આ મોટરસાઇકલ અન્ય એક શખ્સનું હોય, તેનું આ ગુન્હામાં નામ નહીં ખોલવાના આર્મ્સ એક્ટ હેઠળ પકડાયેલા શખ્સને હેરાન નહીં કરવાના તથા મોટરસાઇકલ "સાહેબ" ને કહીને પાછું આપવાના પેટે એસઓજીના હે.કો. ભગીરથસિંહ હેમંતસિંહ જાડેજા અને પો.કો. જોગીન્દરસિંહ સિયારામસિંહ ચૌહાણ નામના બંને પોલીસ કર્મીએ રૂ. 7,00,000ની માંગણી કરી હતી. દરમિયાન શખ્સે થોડા રૂપિયાની વાત કરતા "અમારાં સાહેબ નહીં માને" તેમ કહીને બે દિવસ અગાઉ લાંચના રૂ. 3,50,000 લઇ લીધા હતા ત્યારબાદ એક દિવસ અગાઉ રૂ. 2,25,000 લીધા હતા. એમ કુલ મળી રૂ. 5,75,000 અગાઉ બંને પોલીસ કર્મીએ લઇ લીધા હતા. ત્યાર બાદ બાકી રહેતી રૂ. 1,25,000 લાખની રકમ આપવાનું નક્કી થયું હતું. જે અંગે રાજકોટ એસીબી ખાતે શખ્સે જાણ કરતા ગઈકાલે આ રૂપિયા આપવાનું 10, પટેલ કોલોની, ટીવીએસ શોરૂમની બાજુમાં, આ શખ્સની ઓફિસમાં જ નક્કી કરવામાં આવ્યું હતું. દરમ્યાન એસીબી રાજકોટ પી.આઈ. એસ.એચ.આચાર્ય તથા સ્ટાફે ત્રાટકી બંને પોલીસ કર્મીને રૂ. 1,25,000 લાખની લાંચની રકમ સ્વીકારતા છટકું ગોઠવી રંગે હાથ ઝડપી લીધા હતા.આ લાંચ ના પ્રકરણમાં સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે બીજી તરફ આ રૂપિયામાં અન્ય કોઈ પોલીસ કર્મીની કે અધિકારીની  સંડોવણી છે કે નહીં.....? તે અંગે એસીબી અધિકારી એચ.પી.દોશી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.  અને લાંચીયા કર્મીઓમાં ફફળાટની લાગણી ફેલાઈ જવા પામી છે.