જુની અદાવત કારણભૂત : દુકાનોમાં તોડફોડ આચરી દંગલ મચાવ્યું : જામનગરના સાત રસ્તા પાસે યુવાન પર જીવલેણ હુમલો : ચાર સામે રાવ 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા બે યુવાનો પર જુની અદાવતના કારણે ચાર શખ્સોએ તલવાર-ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોચાડયાની અને દુકાનમાં તોડફોડ કરી નુકશાની પહોચાડયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતાં ચકચાર જાગી છે જયારે બંને યુવાનોને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ છે જયારે જામનગરમાં સાત રસ્તા પાસે યુવાન પર જીવલેણ હુમલો કરવા બદલ ચાર શખ્સ સામે ફરિયાદ નોંધાવાતા સ્થાનિક પોલીસે ધોરણસરની તપાસ આરંભી છે. 
મળતી વિગત મુજબ જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને મજુરીકામ કરતા કાસમ અબ્બાસભાઈ કારા નામના 42 વર્ષના યુવાને પોતાના ઉપર જુની અદાવતનું મનદુઃખ રાખીને ધોકા પાઇપ અને તલવારના ઘા ઝીંકી દઈ ગંભીર ઇજા પહોંચાડવા અંગે સોકત ઉમરભાઈ સાયચા, સલીમ જુસબ સાયચા, એઝાઝ ઉંમર સાયચા અને મહેબુબ જુસબ સાયચા સામે ફરિયાદ નોંધાવી છે આ ઉપરાંત પોતાને છોડવવા વચ્ચે પડેલા ફારૂક હુશેનભાઈ માણેકને પણ માર મારી તેની દુકાનમાં તોડફોડ કરી નાખવા અંગેની પણ ફરિયાદ નોંધાવી છે. સીટી બી ડિવિઝન પોલીસે આઇપીસી કલમ 324, 323, 427, 114 અને જીપીએકટ કલમ 135 (1) મુજબ ગુન્હો નોંધી ચારેય આરોપીની શોધખોળ હાથ ધરી છે. બંને ઇજાગ્રસ્તોને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ છે. 
જયારે જામનગરમાં ખોજાનાકા બહાર ટીટોડી વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા અનવર સુલેમાનભાઈ માડકીયા નામના 43 વર્ષના ઘાંચી યુવાન પર જુની અદાવતના કારણે સીરાજ જુણેજા ટકો કુરેશી અને તેના બે સાગરીતો વગેરેએ તલવારના ઘા ઝીંકી દઈ જીવલેણ હુમલો કર્યાંની ઉપરાંત બેઝબોલના ધોકા વડે માર મારી હાથ-પગમાં ફેક્ચર કરી નાખ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવાઇ છે જયારે તેને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ફરિયાદી તેમજ આરોપીને ગુરુવારે માથાકૂટ થઈ હતી જેનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું છે જે ચારેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.