દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડામાંથી ઝડપાયેલી ડ્રગ ફેક્ટરીનો મામલો જામનગર મોર્નિંગ - જામનગર 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીકના આરંભડામાં સાવ છેવાડે આવેલા એક અવાવરૃ મકાનમાં કંઈક ભેદી પ્રવૃત્તિ થતી હોવાની આશંકાથી દોઢેક વર્ષ પહેલાં મીઠાપુર પોલીસે ચકાસણી કરતા હારૃન સતારભાઈ સોરા નામના શખ્સના આ મકાનમાંથી કેટલાક કેમિકલના ભરેલા બેરલ તથા કેરબા મળી આવ્યા હતાં. જેની લેબોરેટરીમાં પોલીસે ચકાસણી કરતા આ કેમિકલ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિબંધીત કરવામાં આવેલા મેફેડ્રોન ઉર્ફે મ્યાઉં મ્યાઉં નામના ડ્રગ્સ બનાવવાના ઉપયોગમાં લેવાતું હોવાનું બહાર આવતા પોલીસ ચૌંકી હતી. ત્યારપછી પોલીસે આગળ ધપાવેલી તપાસમાં હારૃન સોરાના મકાનમાં જામનગરના પીનલ કિરીટભાઈ ચોટાઈ, ઈમરાન ઉર્ફે ભુરો વિગેરે શખ્સો કેમિકલ મંગાવી, પ્રોસેસ કરી તેને મેફેડ્રોન તરીકે તૈયાર કરાવી રાજ્યના અનેક સ્થળોએ તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા ડીસ્કો થેક, પબ, રેવ પાર્ટીમાં સપ્લાય કરી કારસ્તાન ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું. જે-તે વખતે પોલીસે પીનલ, ઈમરાન, હારૃન વિગેરે સામે એમબીપીએસ એક્ટ તેમજ આઈપીસી ૨૦૧, ૩૩૬ હેઠળ ગુન્હો નોંધી ધરપકડનો દોર શરૃ કર્યો હતો. ઉપરોક્ત આરોપી પૈકીના પીનલ, હારૃન તથા ઈમરાને જામીનમુક્ત થવા માટે દ્વારકા જિલ્લાની ખાસ અદાલતમાં અરજી કરી હતી તે અરજી નામંજુર થતા ત્રણેય આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. જ્યાં આરીપોઓના વકીલે દલીલ કરી હતી કે ઉપરોક્ત આરોપીઓ લાંબા સમયથી જ્યુડી. કસ્ટડીમાં છે જ્યારે તપાસના કાગળો મુજબ અરજદારની જગ્યામાં તા. ૨૧-૦૯, ૨૩-૦૯, ૨૫-૦૯ અને ૨૯-૦૯ના દિને રેડ કરવામાં આવી હતી જેમાંથી ત્રણ રેડ દરમ્યાન ફક્ત કેમિકલ મળ્યું હતું અને ચોથી રેડમાં મેફેડ્રોનમળી આવ્યું તે હકીકત સવાલ ઉભો કરે છે. આરોપીઓની જામીન અરજી અંગે બચાવ પક્ષ તથા સરકાર પક્ષ તરફથી રજુ થયેલી દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટે ત્રણેય આરોપીઓને રૃા. દસ-દસ હજારના જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. આરોપીઓ તરફથી ભોજાણી એસોસિએટ્સના એડવોકેટ પિયુષ ભોજાણી, ભાવીન ભોજાણી, ભાવીન રાજદેવ, પ્રકાશ કંટારીયા, કિશોર ભટ્ટ, તુષાર ત્રિવેદી, ચિરાગ કણઝારીયા રોકાયા છે.