વડોદરાની યુવતીએ પ્રેમ સંબંધ બાંધી યુવાન પાસેથી અનેકવાર પૈસા પડાવ્યા પછી બળાત્કાર અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી

ભોગ બનના યુવાનના કાકાએ ભત્રીજાને હની ટ્રેપમાં ફસાવનાર યુવતી અને તેના પતિ સહિત ૩ સામે વળતી ફરિયાદ નોંધાવી

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના એક યુવાનને વડોદરાની યુવતીએ હની ટ્રેપમાં ફસાવી નાણા પડાવી લીધાનો મામલો સામે આવતાં ભારે ચકચાર જાગી છે. સૌ પ્રથમ યુવતીએ પોતાની સાથે જામનગરના યુવકે બળાત્કાર ગુજાર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. જયારે દુષ્કર્મની જેની સામે ફરિયાદ નોંધાવાઈ છે, તે યુવકના કાકાએ વડોદરાની યુવતી અને તેના પતિ તથા અન્ય એક સાગરીત સામે હની ટ્રેપમાં ફસાવી નાણા પડાવી લીધાની વળતી ફરિયાદ નોંધાવી છે. જે બનાવને લઈને શહેરમાં ભારે ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા કપિલભાઈ નવલભાઈ વશિયર નામના વેપારીએ પોતાના ભત્રીજા મિત વશીયરને હની ટ્રેપમાં ફસાવી ૧,૮૩,૫૦૦થી વધુની રકમ પડાવી લેવા અંગે અને બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવવા બાબતે વડોદરાની એક યુવતી તેમજ તેણીના પતિ પ્રતીક કમલેશભાઈ કનખરા અને જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા યુવતીના સંબંધી જુગલ ધર્મેન્દ્રભાઈ બુધ્ધ સામે ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને ડિવિઝનના પીઆઇ એન.એ. ચાવડા એ આઈપીસી કલમ ૩૮૬, ૫૦૬(૨), ૨૧૧ અને ૩૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ મૂળ વડોદરા ની માંજલપુર વિસ્તારની રહેવાસી એક યુવતી કે જે વડોદરામાં વિશ્વામિત્રી ટાઉનશિપમાં રહે છે, અને તેણે આજથી દોઢેક વર્ષ પહેલાં જામનગરના હવાઈચોક વિસ્તારમાં રહેતા પ્રતિક કમલેશભાઈ કનખરા સાથે મિત્રતા કેળવી હતી, અને ત્યારબાદ બંને વડોદરા સાથે અભ્યાસ કરતા હતા. અને પરિચરમાં આવ્યા પછી પ્રેમ લગ્ન કરી લીધા હતા.

જે તે વખતે પ્રતિ કે પોતાના લગ્નની વાત છુપાવી હતી, અને પરિવારને જાણ કરી ન હતી. પરંતુ પાછળથી પરિવારને જાણ થતાં યુવતી અન્ય જ્ઞાતિની હોવાથી પ્રતીકના માતા પિતાએ અસ્વીકાર કરતાં યુવતી બરોડા રહેવા ચાલી ગઈ હતી. ત્યારબાદ તેણે જામનગરના મીત વશિયર નામના યુવક સાથે ફેશબુક માં ફ્રેન્ડશીપ કરીને મિત્રતા કેળવી હતી, અને છેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમિયાન અવારનવાર જામનગર આવતી હતી, અને મીત સાથે હોટલ અથવા અન્ય સ્થળે મળતા હતા અને બંને વચ્ચે સાથે અનેક વખત શારીરિક સંબંધો પણ બંધાયા હતા.

પાછળથી મિતને જાણવા મળ્યું હતું કે યુવતી પરણિત છે, અને પ્રતીક સાથે છૂટાછેડા થયા ન હોવા છતાં પણ પોતાની સાથે બીજા લગ્ન કરવાનો આગ્રહ રાખે છે, જેથી તેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં યુવતી દ્વારા અવારનવાર મિતને બળાત્કાર અંગેની ફરિયાદ કરશે તેવો ભય બતાવી અવાર નવાર નાણાં પડાવ્યે રાખ્યા હતા, અને કટકે કટકે કુલ ૧,૮૩,૫૦૦ જેટલી રકમ પાડાવી લીધી હતી.

જેમાં પાછળથી તેના પતિ પ્રતિક કનખરાની પણ એન્ટ્રી થઈ હતી, અને તે પણ પૈસા પડાવવામાં મદદગારી કરતો હતો, ઉપરાંત યુવતીનો અન્ય એક કુટુંબી જુગલ ધર્મેન્દ્રભાઈ બુધ્ધ કે જે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહે છે, તે પણ પૈસા પડાવવા માટે વચ્ચે પડ્યો હતો, અને તારે પૈસા તો આપવા જ પડશે, તેવી ધમકી આપ્યા રાખતો હતો.

દરમિયાન વધુ પૈસા આપવાની મિતે ના પાડતાં ગત ૧૨મી તારીખે યુવતીએ સીટી એ ડિવિઝન પોલીસમાં પહોંચી જઈ મીત વસિયન સામે બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેમાં મિતની માતા પોતાને અવારનવાર ધમકી આપતી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું હતું.

જેની મેડિકલ તપાસણી કરાવ્યા પછી તેણી વડોદરા ચાલી ગઈ હતી. જ્યારે પોલીસ દ્વારા મિત વશિયાર અને તેની માતાની શોધખોળ કરતાં તેઓ હાલ લાપતા બન્યા છે.

દરમિયાન ગઈકાલે મિતના કાકા કપિલભાઈ વશિયર સીટી એ ડિવિઝન પોલીસ મથકે આવ્યા હતા, અને સમગ્ર ઘટના અંગે પોલીસ પાસે વિગતવાર જાણકારી આપ્યા પછી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં યુવતી અને તેના પતિ તથા તેના સાગરીત વગેરે ત્રણેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે, અને તે ત્રણેય આરોપીઓ પણ હાલ ભાગી છૂટયા હોવાથી પોલીસ ટુકડી તેઓને શોધી રહી છે આ ફરિયાદના બનાવને લઈને જામનગર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ છે.