3660 લીટર ડીઝલનો જથ્થો પોલીસે કબ્જે કર્યો 
જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગર નજીક અલીયાબાડા પાસેથી એક બોલેરા પીકઅપ વેનમાં બિન અધિકૃત રીતે 50 કેરબામાં લઇ જવાતો રૂ. 2.10 લાખની કિંમતનો 3000 લીટર ડીઝલનો જથ્થો પોલીસે શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી લઇ બે શખ્સોની અટકાયત કરી છે અને બોલેરો પીકઅપ વેન પણ કબ્જે કરાયું છે. તેજ રીતે સચાણા પાસેથી ઇકો કારમાં લઇ જવાતો રૂ. 46200ની કિંમતનો 660 લીટર ડીઝલનો જથ્થો શકે પડતી મિલ્કત તરીકે કબ્જે કરી લઇ ત્રણ આરોપીઓની અટકાયત કરાઈ છે, અને પુરવઠા શાખાને જાણ કરી છે. 
મળતી વિગત મુજબ જામનગર નજીક અલીયાબાડા પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકડેલા જી.જે.37ટી 4605 નંબરના બોલેરો પીકઅપ વેનને પાંચકોશી એ ડિવિઝનના પોલીસ  
સ્ટાફે આંતરી લઇ ચકાસણી કરતા અંદરથી બીલ અને આધાર વગરનો રૂ. 2 લાખ 10 હજારની કિંમતનો 50 કેરબામાં ભરેલો 3000 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે પીકઅપ વેન અને ડીઝલ સહિત 5 લાખ 10 હજારની માલમતા કબ્જે કરી લઇ અંદર બેઠેલા ભાણવડ તાલુકાના ભરપુર ગામના સામત કરશન માડમ અને રાણાવાવમાં રહેતા સરમણ દેવાભાઈ કોડિયાતરની અટકાયત કરી લીધી હતી. 
જયારે જામનગર નજીક સચાણા ગામના પાટીયા પાસથી એક ઇકો કારમાં પણ 11 જેટલા કેરબામાં 660 લીટર ભરેલો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે પુછપરછ કરતા તેના પણ કોઈ બિલ આધાર વગેરે હાજર ન હતા જેથી ઇકો કારમાં બેઠેલા જામનગરના બેડી વિસ્તારના કાસમ ઈબ્રાહીમ ગાધ, હુશેન સુલેમાન કકલ અને આરીફ કાસમ કુંગડાની અટકાયત કરી લઇ પુરવઠા શાખાને જાણ કરી છે.