સગી ભાભી ઉપર નજર બગાડી દુષ્કર્મ આચરવા સબબ નોંધાવાતી ફરિયાદ  
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બારાડી ગામમાં એક ચકચારજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે એક વાડીમાં રહીને ખેતમજુરી કામ કરતી મહિલા ઉપર તેણીના જ દિયરે નજર બગાડી પાશવી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ચકચાર જાગી છે. આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે. 
મળતી વિગત મુજબ જોડીયા તાલુકાના બારાડી ગામમાં રહેતા એક ખેડૂતની વાડીમાં રહીને ખેતમજૂરી કામ કરતી એક પરણિત યુવતી શુક્રવારે સવારે પોતાની વાડીના મકાનમાં એકલી હતી જે દરમ્યાન તેણીનો દિયર નરેશ છતરાભાઈ બાંભણીયા નામનો આદિવાસી શખ્સ તેણીના મકાનમાં બળજબરી પૂર્વક ઘસી આવ્યો હતો.
તેણે પોતાની સગી ભાભી ઉપર નજર બગાડી હતી અને બળજબરી પૂર્વક તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભાભી દ્વારા આનાકાની કરાઈ હતી પરંતુ દિયરે બળવાપરી કુકર્મ આચર્યું હતું અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો આ બનાવ પછી ભોગ બનનાર મહિલાએ તુરંત જ જોડીયા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને પોતાના દિયર સામે ફરિયાદ નોંધાવતાં જોડીયા પોલીસે આઇપીસી કલમ 376 મુજબ ગુન્હો નોંધ્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે. જ્યારે  ભોગ બનનાર મહિલાને તબીબી ચકાસણી અર્થે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલી આપી છે.