જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામમાં એક મહિલાનું કુવામાં પડી જતા મૃત્યુ નીપજ્યાની ઘટના પછી મૃતકની માતાએ પોલીસ મથકમાં પહોંચી જઈ પોતાની પુત્રીને દુઃખત્રાસ આપી મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે પોતાના જમાઈ સામે ફરિયાદ નોંધાવી છે કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતકના પતિ સામે ગુન્હો નોંધ્યો છે.
મળતી વિગત મુજબ કાલાવડના પાતામેઘપર ગામમાં આવેલા બચુભાઈ નાથાભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજુરી કામ માટે આવીને રહેતા દાહોદ જિલ્લાના વતની સુરેશ ચનાભાઈ બામણીયા તથા તેમના પત્ની મંજુલાબેન (ઉ.વ. ૪૨) બુધવારની સાંજે તે ખેતરમાં હતા ત્યારે ડોલ લઈને પાણી ભરવા જવાનું કહી પોતાની રહેણાક ઓરડીથી નીકળેલા મંજુલાબેન તે ખેતરમાં જ આવેલા કૂવામાં લપસી પડ્યા પછી મોતને શરણ થયાની સુરેશભાઈ બામણીયાએ પોલીસને જાણ કરી હતી. જે-તે વખતે પોલીસે સીઆરપીસી ૧૭૪ હેઠળ અપમૃત્યુની નોંધ કરી હતી. ત્યારપછી મૃતક મંજુલાબેનના પિયરપક્ષને જાણ થતા દાહોદના મડેર ગામથી દોડી આવેલા તેણીના માતા કપુરીબેન સડીપાભાઈ સાગડાએ ગઈકાલે પુત્રીની અંતિમક્રિયા પૂર્ણ થયા પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓના જણાવ્યા મુજબ મંજુલાબેનને તેણીનો પતિ સુરેશ તને ઘરકામ આવડતું નથી, મારે જોતી નથી તેમ કહી મેણાટોણા મારી ત્રાસ આપતો હતો જેના કારણે ફરિયાદીના પુત્રીએ પોતાની જાતે કૂવામાં ઝંપલાવી આત્મહત્યા વ્હોરી છે. ઉપરોક્ત ફરિયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતકના પતિ સુરેશ ચનાભાઈ સામે આઈપીસી ૩૦૬, ૪૯૮ (એ) હેઠળ ગુન્હો નોંધ્યો છે અને સત્ય જાણવા તપાસ શરૃ કરી છે.